સુરકા ગામે પડતર જમીન પર GPCL દ્વારા માઈનીંગના શ્રીગણેશ

814
bvn4418-6.jpg

ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિતના ૧ર ગામોમાં ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા જમીન સંપાદન અંગે ખેડૂતો સાથેની મડાગાઠ યથાવત રાખી સરકાર માલિકીની પડતર જમીનો પર બ્લોક પાડી આજથી માઈનીંગનો આરંભ (ખોદકામ) કરવામાં આવ્યો છે.
ઘોઘાના ૧ર ગામો જમીન સંપાદન મામલે ૩ દિવસથી ચાલી રહેલ ખેચતાણ મુદ્દે રાજ્ય સરકારની જીપીસીએલ દ્વારા ખેડૂતોના ઉગ્ર વિરોધને કોરાણે રાખી સુરકા ગામની સીમમાં સરકારી સર્વે નંબરની ખરાબાની પડતર જમીન પર આજે ત્રીજા દિવસે એસઆરપી જવાનો તથા અન્ય પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સાઈટ પર બ્લોક પાડી માઈનીંગનો આરંભ કર્યો છે. હાલ થઈ રહેલ કામગીરી સંદર્ભે આંદોલનકારી ખેડૂત સંઘર્ષ સમિતિના સભ્યોના જણાવ્યા મુજબ કંપનીએ જે સ્થળ પર ખોદકામ હાથ ધર્યુ છે. તે વર્ષોથી ગૌચરણની જમીન તરીકે ઓળખાય છે એ જમીન પર કોઈ ખેડૂતની માલિકીનો હક્ક નથી. આથી એ બાબતે વિરોધ દર્શાવવાનો કોઈ સવાલ જ નથી પરંતુ જો કંપનીના માણસો અગર સુરક્ષા જવાનો અમારી જમીનમાં વિના મંજુરીએ પેશકદમી કરશે તો જોયા જેવી થશે તેવી ગર્ભિત ચિમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર તંત્ર કોર્ટ અને રાજ્ય સરકારના આદેશોનું પાલન કરી નિયમ અનુસાર કાર્યવાહી આગળ ધપાવી રહ્યાં છીએ. સમગ્ર વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને આ વિવાદ વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થાના પુરતા પગલા સાથે ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખેડૂતોને કોઈ વધારાનું વળતર કે અન્ય બાબતો માટે કટીબધ્ધ નથી અને આપવા પણ નથી માંગતી કોર્ટે પણ સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આથી કાયદાકિય બાબતે પણ સ્પષ્ટ નીતિથી કાર્ય કરી રહ્યાં છીએ.અગર કોઈ પક્ષ કે ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ વાટાઘાટો અગર મંત્રણા મામલે આવશે તો ચોક્કસ પ્રશ્નો સાંભળીશું અને હકારાત્મક અભિગમ સાથે તત્કાલ ઉકેલ આવે તેવી તૈયારી સરકાર અને કંપની-તંત્રએ દાખવવાની હિમાયત કરી છે. આજના ત્રીજા દિવસે આંદોલન છાવણી પર ૯૦૦થી વધુ ખેડૂત પરિવારો હાજર રહ્યાં હતા અને ખેડૂત સંઘર્ષ સમિતિના વિવિધ હોદ્દેદારોએ સભ્યો સાથે આગામી રણનીતિ અંગે ચર્ચા-વિચારણાઓ કરી હતી. આજના દિવસે ભાવનગર શહેર તથા જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર હોદ્દેદારો તેમજ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓએ મુલાકાત લઈ આંદોલન વેગવંતુ કરવા હાંકલ કરી હતી તથા આ અંગે જરૂરી તમામ મદદની ખાત્રી પણ આપી હતી. 

Previous articleજમીન સંપાદન વિવાદ મામલો દિવસ-૨, ખેડુતોની લડાઈમાં ગુજરાત કોંગ્રેસે પણ સુર પુરાવ્યો
Next article ટર્નીંગ પોઈન્ટની અગાસી પરથી પડી જતાં ચાર્ટડ એકાઉન્ટન્ટનું મોત