શાળાકીય શિક્ષણના માળખામાં અભ્યાસ ક્રમ સંબંધિત ભલામણો કરાઈ

596

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે ટાસ્ક ફોર્સ સભ્યો દ્વારા સુચવેલ મુદ્દા અંગે પ્રેઝન્ટેશન કરાયુ હતું એન.ઈ.પી. અમલીકરણ અંગે રાજ્ય કક્ષાએથી લેવાતા થતા નિર્ણયો અંગે સહમતી સાધી વર્ષ ૨૧-૨૨માં અમલીકરણ કરવા રજુ કરાયા હતા જેમાં ૩થી૧૮ વર્ષની ઉમરને આવરી લેતી નીતિમાં શાળાકીય શિક્ષણના માળખામાં બદલાવ લવાયો છે.
હાલના ૧૦+૨ ના શાળાકી શિક્ષણના માલખામાં બદલાવ લાવીને નવીન ૫+૩+૩+૪ શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાંની ભલામણ કરવામાં આવેલ છે. આ સંદર્ભે ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા સૂચવવામાં આવેલ નવીન માળખાંનો સ્વીકાર કરવા સુચન કરેલ છે. જે અંતર્ગત ૫ વર્ષમાં પૂર્વ પ્રાથમિકનાં ૩ વર્ષ તથા ધોરણ ૧ અને ૨ (પાયાનું શિક્ષણ), ૩ વર્ષ ધોરણ ૩થી ૫ (પ્રારંભિક શિક્ષણ), ૩ વર્ષ ધોરણ ૬થી૮ (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ), ૪ વર્ષ ધોરણ ૯થી ૧૨ (માધ્યમિક શિક્ષણ (અમલવારી-શિક્ષણ વિભાગ) નિયત કરાયો છે. પ્રથમ પાંચ વર્ષ (એટલે કે બાળકની ઉંમરના ૩+ વક્ષથી) પાયાના તબક્કામાં શરૂઆતનાં બે વર્ષ આંગણવાડી – પૂર્વ પ્રાથમિકમાં રહેશે. જ્યારે ત્યાર પછીનું એક વર્ષ (બાળકની ઉંમરના ૫+ વર્ષથી) (ધોરણ ૧ પહેલાનું વર્ષ) બાલવાટીકા તરીકે ઓળખાશે. જ્યારે બાળકની ઉંમરના ૬+ વર્ષથી ધોરણ ૧ની શરૂઆત કરવામાં આવશે. આ માળખાનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી કરવાનો રહેશે. પૂર્વ પ્રાથમિક – આંગણવાડીમાં પ્રવેશ મેળવવા માટે ૩ વર્ષ પૂર્ણ કરેલ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવો.
બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળા પરિસરમાં કરવી જોઈએ. બાલવાટીકાના બાળકોને ધોરણ ૧ અને ૨ની જેમ પ્રજ્ઞાા અભિગમ દ્વારા પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. બાલવાટીકા માટે સ્ટાફની જરૂરિયાત અનુસાર ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ દ્વારા આઉટસોર્સીંગથી કોન્ટ્રાક્ટ બેઈઝડ ભરતી કરવામાં આવશે. બાલવાટીકામાં નિમણુંક આપનાર શિક્ષકની ઓછામાં ઓછી પીટીસી, ડી.ઈ.એલ. આડી ની લાયકાત નિશ્ચિત કરાઈ છે. અત્યારે ધોરણ ૯-૧૦ માધ્યમિક શિક્ષણ અને ધોરણ ૧૧-૧૨ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એમ બે ભાગ છે તેના બદલે ધોરણ ૯થી ૧૨ માટે ચાર વર્ષનું સળંગ એકમ કરવા અમલવારી શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કરશે.
રાજ્યમાં પૂર્વ પ્રાથમિક તેમજ આંગણવાડી માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રારંભીક બાળ સંભાળ અને શિક્ષણના શિક્ષકો તૈયાર કરવા માટે હાલના આંગણવાડી શિક્ષકોને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે. આ અન્વયે સદર તાલીમ માટે એનસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમને ધ્યાને લઈ નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે મહિલા બાળવિકાસ વિભાગ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો સહયોગ મેળવી આ અંગેની તાલીમ અને પ્રમાણપત્ર જીસીઈઆરટી આપશે. એનઈપી સંદર્ભે રાજ્યમાં ન્યાયિક રીતે શાળાઓનું એકત્રીકરણ કરવાનું થાય છે આ સંદર્ભે આરટીઈ એક્ટની જોગવાઈ પ્રમાણે ૬૦ કરતાં ઓછી સંખ્યા હોય અને ૧થી ૫ ધોરણની શાળા હોય તેવી શાળાની ૧ કીમીની ત્રિજ્યામાં વધુ સંખ્યા વાળી ધોરણ ૧થી ૫ શાળા આવેલી હોય તેમાં તે શાળા મર્જ કરવી.
ધોરણ ૬ થી ૮ ચાલતું હોય અને તેમાં ૪૫ કરતાં ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવી શાળાની ૩ કીમી ત્રિજ્યામાં ધોરણ ૬થી૮ની વધુ સંખ્યાવાળી અન્ય શાળા આવેલી હોય તેમાં તે શાળા મર્જ કરવી. શાળા મર્જ કરતી વખતે ૨ શાળાઓ વચ્ચે હાઈવે પસાર થતો હોય, નદી નાળા કે વિદ્યાર્થી સરળતાથી મર્જ થયેલી શાળામાં જઈ શકે તેમ ન હોય તેવી શાળાઓને મર્જ કરવામાંથી મુક્તિ આપવી. જે વિદ્યાર્થીઓને નજીકની પ્રાથમિક કે માધ્યમિક શાળામાં જવા અનુક્રમ ૧ કીમી કે ૩ કિમી કરતાં વધારે અંતર કાપવાનું થાય તો તેઓને ટ્રાન્સપોર્ટેશનની સગવડ આપવાનું પણ જણાવાયું છે.

Previous articleસરદાર પટેલની પ્રથમ જેલ યાત્રાની ૯મી વરસગાંઠ નિમિત્તે ભાવનગર જીલ્લાજેલમાં કાર્યક્રમ યોજાયો
Next articleબોટાદ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે યોજાયો રાયફલ શુટીંગ તાલીમ કાર્યકમ