જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેનાં પ્રથમ દિવસે તાવનાં ૫૮૪ કેસ મળ્યા

696
gnd44185.jpg

ગાંધીનગર જિલ્લામાંથી મેલેરીયાની બિમારીને દુર કરવા માટે જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગની મેલેરીયા શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં સોમવારથી હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેનાં પ્રથમ દિવસે ગ્રામ્ય વિસ્તારોનાં ૫૨ હજાર ઘરોમાં તપાસ કરવામાં આવતા તાવનાં ૫૮૪ જેટલા દર્દીઓ મળી આવતા સારવાર આપવામાં આવી છે. જયારે ૧૨૮૧ સ્થળેથી મચ્છરોનાં પોરા મળતા નાશ કરવામાં આવ્યો છે.
મેલેરીયા નિર્મુલન ઝુંબેશનાં પ્રથમ તબક્કાનાં આ સર્વેમાં આરોગ્ય વિભાગનો ૧૩૦૦ કર્મચારીઓનો સ્ટાફ કામે લાગ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સોમવારથી શરૂ થયેલા હાઉસ ટુ હાઉસ સર્વેમાં મચ્છરોને ડામવા માટે નાની નાની બાબતોની પણ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રથમ દિવસ જ ૧૩૦ લોકોની ટીમ દ્વારા ૫૨૮૫૯ મકાનોને કવર કરીને ૨,૩૬,૧૧૯ લોકોની તપાસ કરી હતી. જેમાંથી ૫૮૪ નાગરીકોમાં તાવ જણાતા બ્લડ સ્મીઅર કલેકશન કરવામાં આવ્યુ છે અને સાથે સાથે સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. જયારે આરોગ્યનાં કર્મચારીઓ દ્વારા પાણીની કૂંડીઓ, પશુઓને પાણી આપવાનાં હવાડા,ટોઇલેટની ટાંકીઓ, ભુગર્ભ ટાંકીઓ, ઘરમાં પાણીનાં વપરાશમાં રાખવામાં આવતી ટાંકીઓ, પક્ષીઓનાં કુંડા, છાપરા તથા અગાસી પર રાખવામાં આવતા કાંટમાળની બારીકાઇથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૨૮૧ સ્થળેથી મચ્છરનાં પોરા મળી આવતા નાશ કરવામાં આવ્યો છે. સાથે સાથે જે ટાંકીઓમાં પાણી રાખવામાં આવે છે તેમાં પણ પોરાનાશક દવા નાંખવા સાથે નાગરીકોને દવા આપીને સમયાંતરી પાણીમાં નાંખવા સુચના આપવામાં આવી છે. 
ટાંકીઓની સાફ સફાઇ થાય તથા કાટમાળમાં ફરી પાણી ન ભરાય તે માટે પણ તાકીદ કરવામાં આવી છે. જિલ્લા મેલેરીયા અધિકારી મમતાબેન દતાણીનાં જણાવ્યાનુંસાર આરોગ્ય શાખા પુરા ખંતથી લોક આરોગ્ય માટે કામ કરી રહી છે. ત્યારે લોકો દ્વારા પણ આરોગ્ય કર્મચારીઓની સુચનાનું લોકહીતમાં પાલન કરવામાં આવે તો જિલ્લાને મેલેરીયા મુક્ત કરવામાં વાર નહી લાગે.

Previous article મસાલાના ભાવ ગઈ સાલ જેટલા જ વેપારીઓએ જાતે જ ચેતવણીના બોર્ડ મુકયા
Next article શહેરમાં કચરો સળગાવનારા સામે મનપા કડક પગલાં લેશે