અનેરા ઉત્સાહ સાથે ભાવેણાનો જન્મદિવસ ઉજવાયો

831
bvn1942018-15.jpg

ભાવનગર જન્મોત્સવ સમિતિ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પ્રેરિત ગંગાજળીયા કાર્નિવલના ત્રિદિવસીય ઉત્સવમાં આજે અંતિમ દિવસે ભાવનગરના ર૯૬માં જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર જન્મોત્સવ સમિતિ તથા અન્ય સહયોગી સંસ્થાઓ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા ત્રિદિવસીય જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગત ૧૬ એપ્રિલથી ગૌરીશંકર સરોવર-બોરતળાવ ખાતે આવેલ કૈલાસવાટીકાના રમણીય સ્થાનેથી શરૂ કરવામાં આવેલ ત્રણ દિવસ દરમ્યાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાવેણાના કલાકારો દ્વારા સ્ટેજ પરથી વિવિધ પ્રકારના પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અંતિમ દિવસે ગુજરાત સહિત દેશ-વિદેશમાં ડાયરાઓ દ્વારા નામ ગુંજતું કરનાર અને લોકડાયરાઓ તથા કલાકાર એકાબીજાના પર્યાય બનેલા જાજરમાન કલાકાર કિર્તીદાન ગઢવી, હાસ્યના બેતાજ બાદશાહ સુખદેવ ધામેલીયાએ કૈલાસવાટીકા ખાતે મોટીસંખ્યામાં ઉપસ્થિત ભાવેણાવાસીઓને કાઠીયાવાડી ડાયરાની અસર મોજ પીરસી હતી. આ ઉપરાંત ભાવેણાના જન્મદિન પ્રસંગે તૈયાર કરવામાં આવેલ વિશાળ કેક કાપી આ કેક ભુલકાઓને વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. ભાવેણાના આંગણે આવેલ અલગ-અલગ સર્કલો, બગીચાઓ તથા ઈમારતોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત ભાવનગરના અલગ-અલગ રાજકિય પક્ષો તથા ભાવેણાના યુવરાજ જયવિરરાજસિંહજી દ્વારા નિલમબાગ સર્કલ સ્થિત પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તેમને યાદ કર્યા હતા તથા ભાવનગરી યુવા ગ્રુપ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગરનો જન્મદિવસ પ્રત્યેક ભાવનગરના લોકો માટે સ્વયં પોતાના પરિવારનો ભવ્ય ઉત્સવ હોય તે રીતે ઉજવવામાં આવ્યો હતો. ભાવનગરના લોકોને પોતાના શહેર પર અનેરો ગર્વ છે. અખાત્રીજના શુભ પાવન દિવસે લોકોએ અનેરા ઉત્સાહ સાથે ર૯૬મો જન્મદિવસ ઉજવ્યો હતો.

Previous articleપરશુરામ જયંતિ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા નિકળી
Next articleકુંભારવાડા સર્કલ ખાતે કેન્ડલ માર્ચ