વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં હળવુ માવઠુ

268

આકરા તાપ અને ધોમ ધખતા ઉનાળા વચ્ચે ગઈકાલ સાંજથી ભાવનગરમાં વાદળો છવાયા હતા. મહા મહિનામાં માવઠું થાય તેવી વાયકા છે પરંતુ ઉનાળાના ધોરી માસ ચૈત્રનાં પ્રારંભે આ વાતાવરણ વચ્ચે ગઈકાલ સાંજે જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા છાંટા થયા હતા તો ભાવનગર શહેરમાં પ્રથમ પહોરમાં છાંટાઓ થતા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભિંજાઈ ગયા હતા.
ગઈકાલ સાંજે વાદળો ઘેરાયા હતા અને જેના પગલે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. જિલ્લાનાં વલભીપુર તથા તળાજા પંથકમાં કેટલાક વિસ્તારોમાં છાંટા થયા હતા તો અન્ય તાલુકાઓમાં પણ વાતાવરણ ગોરંભાયેલું રહ્યુ હતું. શહેરમાં વ્હેલી સવારે ૩ઃ૩૦ વાગ્યા આસપાસ છાંટાઓ થયા હતા. કાળિયાબીડ સહિતના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભિંજાઈ ગયા હતા તો અગાશીમાં સુતેલા લોકોને ઓઢણ પાથરણા સાથે નીચે ઉતરી જવુ પડ્યું હતું. વાતાવરણમાં આવેલા આ પલ્ટાને કારણે પાકને નુકશાન થવાની પણ ભિતી છે.
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં કમોસમી માવઠું જોવા મળ્યું છે. વહેલી સવારે જેસર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અચાનક આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળોએ લોકોની સાથે ખેડૂતોનો જીવ અદ્ધર કરી દીધો છે.