વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો

1122
guj942018-5.jpg

ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય ભાગોમાં આજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડતા ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. મળેલી માહિતી મુજબ ઘણી જગ્યાએ કરા સાથે વરસાદના લીધે પાકને નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
 સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સવારમાં વાતાવરણ ચોખ્ખુ રહ્યા બાદ બપોર બાદ હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાયા હતા. જસદણ, દ્વારકા, ખંભાળિયા, જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. 
રાજકોટના ઉપલેટાના સમઢીયાળા, ભાયાવદર સહિતના ગામોમાં વરસાદ થયો હતો. જામનગર જિલ્લાના ખંભાળિયા-ભાણવડ રોડ પર પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યાના સમાચાર મળી રહ્યા છે. 
વરસાદથી રોડ પાણી પાણી બની ગયા હતા. આ સિવાય જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાયાવદરમાં ધોધમાર વરસાદી ઝાપટાથી ૬ એમએમ પાણી વરસી ગયું હતું. ભાયાવદરમાં વરસાદથી લઈને ૬થી ૭ બાઈક સ્લીપ થતાં એકને હાથમાં તો એકને પગમાં ફેક્ચર થયું હતું. અમરેલીના બાબરા, ધારી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ હવામાનમાં પલ્ટા વચ્ચે આજે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નહીંવત ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. વરસાદી માહોલના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.  હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ેચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.આજે દિવસ દરમિયાન આંશિક વાદળછાયુ વાતાવરણ રહેતા લોકોને તીવ્ર તાપથી રાહત મળી હતી. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૩૧ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૭૨૭, કમળાના ૧૯૬, ટાઇફોઇડના ૨૭૯ કેસ સપાટી ઉપર આવ્યા હતા. જ્યારે માર્ચ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૬ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના ૩૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૯૯ કેસ આ મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૯ કેસો નોંધાયા છે. આજે સૌથી વધારે ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટમાં થયો હતો. જ્યાં પારો ૪૧.૫ ડિગ્રી સુધી રહ્યો હતો. હિટવેવની કોઇ ચેતવણી તંત્ર તરફથી જારી કરાઈ નથી પરંતુ ગરમીનો અનુભવ જોરદારરીતે થઇ રહ્યો છે જેથી ચક્કર આવવાના, બેભાન થવાના, પેટમાં દુખાવો થવાના, બ્લડપ્રેશરના ઇમરજન્સી કેસોમાં વધારો થયો છે. અમદાવાદમાં ઇમરજન્સી કેસોમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ગરમીના લીધે જનજીવન પણ ખોરવાઈ ગયું છે.

Previous articleગુજરાતના સપૂત મોદીએ દેશને જાતિવાદથી કર્યો મુક્તઃ યોગી
Next articleબિટકોઇન કેસમાં ૯ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ