બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ઈન્દિરા ગાંધી બનશે

214

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૨૫
એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલા જયલલિતાના રોલમાં ઢળ્યા બાદ હવે કંગના રનૌત વધુ એક પોલિટિકલ ડ્રામાની તૈયારી કરી રહી છે. કંગના રનૌત હવે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ નિભાવા જઈ રહી છે. કંગના રનૌતે ઈન્દિરા ગાંધીના પાત્રની તૈયારી સાથે જ ફિલ્મનું શીર્ષક પણ જાહેર કર્યું છે. ફિલ્મનું નામ ’ઈમર્જન્સી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધી જેવા દેખાવા માટે કંગનાએ તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે હાલમાં જ એક્ટ્રેસનું બોડી સ્કેનિંગ થયું હતું, જેની ઝલક તેણે સોશિયલ મીડિયા પર બતાવી છે. કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે વિડીયો શેર કર્યા છે, જેમાં પ્રી-પ્રોડક્શનના ભાગરૂપે તેનું બોડી સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. કંગનાએ વિડીયો શેર કરતાં લખ્યું હતું, “ફિલ્મ ઈમર્જન્સી માટે બોડી સ્કેન. મેડમ પ્રાઈમ મિનિસ્ટ ઈન્દિરા ગાંધીજીના રોલમાં ઢળવા માટે.” જણાવી દઈએ કે, આ ફિલ્મ કંગના રનૌતના હોમ પ્રોડક્શન હેઠળ બનવાની છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેના રોલની તૈયારીની વધુ કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં લખ્યું હતું, “દરેક પાત્ર એક નવી સુંદર જર્નીની શરૂઆત હોય છે. આજે અમે ’ઈમર્જન્સી’ની જર્ની શરૂ કરી છે. કાસ્ટનો યોગ્ય લૂક આવે તે માટે અમે બોડી અને ફેસ સ્કેનથી શરૂઆત કરી છે. આ માટે ઘણાં અદ્ભૂત કલાકારો એકત્ર થવાના છે. મણિકર્ણિકા ફિલ્મ્સ માટે આ ફિલ્મ ખૂબ ખાસ છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ કંગનાએ સ્પષ્ટ કર્યું હતું કે આ ફિલ્મ ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી. આ એક પીરિયડ ફિલ્મ છે. જેની સ્ક્રિપ્ટની કામગીરી ફાઈનલ સ્ટેજમાં છે. અગાઉ આ ફિલ્મનું ડાયરેક્શન ’રિવોલ્વર રાની’ ફિલ્મના ડાયરેક્ટર સાંઈ કબીર ડાયરેક્ટ કરવાના હોવાની ચર્ચા હતી. જોકે, હવે કંગનાએ જાહેરાત કરી છે કે તે પોતે જ ફિલ્મ ડાયરેક્ટ કરશે. કંગનાએ ર્દ્ભર્ એપ પર આ વિશેની માહિતી આપતા લખ્યું, “ફરી એકવાર ડાયરેક્ટરની હેટ પહેરવા માટે તૈયાર છું. એક વર્ષથી વધુ સમય ’ઈમર્જન્સી’ પર કામ કર્યા પછી મને લાગ્યું કે મારાથી વધુ સારી રીતે આ ફિલ્મને કોઈ ડાયરેક્ટ નહીં કરી શકે. ઉમદા રાઈટર રિતેશ શાહ સાથે આ ફિલ્મ માટે જોડાઈ રહી છું. ડાયરેક્શન માટે મારે ઘણાં એક્ટિંગ અસાઈનમેન્ટ જતા કરવા પડે પરંતુ મને વાંધો નથી. મારો ઉત્સાહ ચરમ પર છે અને આ જર્ની અદ્ભૂત બની રહેશે.”