લોકોની સાવચેતી, રસીકરણથી કોરોનાની ત્રીજી લહેર ટળી શકે છે

356

કેસ ઘટી રહ્યાં છે પરંતુ કેટલાક ક્ષેત્રોમાં પોઝિટિવિટી રેટ હજુ પણ વધુ, તે ક્ષેત્રમાં વધુ આક્રમક રીત અપનાવવાની જરૂર પર ભાર મુકતા એમ્સના વડા
(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૧
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઆઈઆઈએમએસ) ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ગુરૂવારે કહ્યુ કે, જો લોકો સાવધાન રહે અને ભારત મોટી સંખ્યામાં રસીકરણ કરવામાં સક્ષમ રહ્યું, તો બની શકે કોરોનાની ત્રીજી લહેર ન આવે. ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર વિશે વાત કરતા સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, આ તે વાત પર નિર્ભર કરે છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. જો આપણે સાવધાન રહ્યાં અને વેક્સિનેશનનું કવરેજ સારૂ રહ્યું તો બની શકે ત્રીજી લહેર ન આવે અને જો આવે તો નબળી પડી જાય. રસીના મિશ્રણ પર પોતાના વિચાર વ્યક્ત કરતા એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, રસીના મિશ્રણ પર વધુ ડેટાની જરૂર છે. તેને લઈને સંશોધનો આવ્યો છે, જે કહે છે કે તે પ્રભાવી હોઈ શકે છે, પરંતુ સામાન્યથી વધુ આડઅસર જોવા મળી શકે છે. અમને તે કહેવા માટે હજુ વધુ ડેટા જોઈએ કે આ એવી નીતિ છે જેને અજમાવી શકાય. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વિશે વાત કરતા ડો. ગુલેરિયાએ સૂચન કર્યુ કે કેટલાક એવા ક્ષેત્ર છે જ્યાં પોઝિટિવિટી વધુ છે. આ ક્ષેત્રમાં પ્રસાર રોકવા માટે કડક વલણ અપનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કેસ ઘટી રહ્યાં છે પરંતુ કેટલાક ક્ષેત્ર એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ હજુ પણ વધુ છે, આપણે તે ક્ષેત્રમાં વધુ આક્રમક રીત અપનાવવાની જરૂર છે. તેને હોટસ્પોટ ન બનવા દેવા જોઈએ, જેનાથી તે અન્ય ક્ષેત્રમાં ફેલાય શકે છે. મહત્વનું છે કે દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે આઠ કલાકે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૭૮૬ નવા કેસ સામે આવ્યા અને ૧,૦૦૫ લોકોના મૃત્યુ થયા છે. ૬૧૫૮૮ લોકો ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. દેશમાં આજની તારીકે એક્ટિવ કેસની સંખ્યા ૫ લાખ ૨૩ હજાર છે.

Previous articleભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી
Next articleરાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયા જેટલો તોતિંગ વધારો