નારી રોડ પર સોલાર પાવર માટે ૪૫ એકર જમીનની માંગણી કરાશે

168

મ્યુ. સ્ટેન્ડીંગ કમીટીની મળેલી બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા
ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આજે ચેરમેન ધિરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં નારી રોડ પર રહેલી ૮૦ એકર સરકારી પડતર જમીન પૈકી ૪૫ એકર જમીન મહાપાલિકાને સોલાર પાવર માટે મેળવવા કલેક્ટર સમક્ષ માંગણી કરવાનું સર્વાનુમતે નક્કી કરવા ઉપરાંત તમામ ૩૫ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં નારી રોડ પરથી પડતર જગ્યામાં સોલાર ફાર્મ બનાવવા માટે કલેક્ટર સમક્ષ ૪૫ એકર જમીનની માંગણી કરવાનું ઠરાવવામાં આવેલ. આ ઉપરાંત ભાવનગરના પૂર્વ-પશ્ચિમ વિભાગમાં શિક્ષણ સમિતિની બે શાળાઓમાં પ્રાયોગિક ધોરણે એલકેજી શરૂ કરવાના ઠરાવને પણ મંજુર કરાયો હતો જ્યારે ચુંટણી ખર્ચના બાકી રહેલા નાણા ચુકવવા અંગેનો પણ ઠરાવો મંજુર કરાયેલ. આ ઉપરાંત શહેરના વિવિધ વિકાસના કામોના ટેન્ડરો અંગેનો નિર્ણય કરવા ઉપરાંત કેટાલક કામોનો સમય વિત્યો હોય તેની સમય મર્યાદા વધારી આપવાનું પણ નક્કી કરવામાં આવેલ. કોવિડ-૧૯ના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા વિવિધ કામોને મંજુર કરવા ઉપરાંત વિવિધ વેપારી તથા એજન્સીઓને બાકી બિલો ચુકવવાના ઠરાવને મંજુર કરાયેલ. આ ઉપરાંત ચેરમેન સહિત ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી સ્ટેન્ડીંગ કમિટિમાં લેવાનાર કામોની ચર્ચા કરવા અંગેનો અધ્યક્ષ સ્થાનેથી મુકાયેલ ઠરાવ પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો. આમ, આજની કારોબારી બેઠકમાં તમામ ૩૫ ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

Previous articleપાલિતાણા અને જેસરના અંતરિયાળ વિસ્તારમાંથી વનવિભાગે ૨ દીપડાને પાંજરે પુર્યા
Next articleસગીરા પર વારંવાર દુષ્કર્મ કરી માતા બનાવનાર આધેડને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ