ત્રણ દિવસ પૂર્વે દીપડાએ બાળકીને ફાડી ખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો
પાલિતાણા પંથકના ભંડારીયા ગામમાં વન્ય પ્રાણીઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ વિસ્તારમાં દીપડાઓના ડેરાતંબુ હોય છાસવારે આ દીપડાઓ માલધારીઓના પશુઓના મારણ કરી જતા હોવાનું જાણવા મળેલ છે.ત્રણ દિવસ પહેલા રાત્રીના દીપડાએ રહેણાંકીય વિસ્તારમાં ત્રાટકી નીંદ્રાધીન માસુમ બાળકીને ફાડી ખાઈને નાશી જતા અરેરાટી સાથે ગ્રામજનોમાં ભયની લાગણી જન્મી હતી.પાલિતાણા તાલુકાના ભંડારીયા સહિતના ડુંગરાળ વિસ્તારોમાં પાંચથી વધુ અને સમગ્ર પાલિતાણા પંથકમાં ૧૨ થી વધુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. આ વન્ય પ્રાણીઓ છાસવારે વાડી ખેતરોની સાથો સાથ રહેણાંકીય વિસ્તારોમાં દેખા દેતા હોય છે. એટલુ જ નહિ આ દીપડાઓ અવારનવાર સીમ વગડાઓમાં,વાડી ખેતરોમાં માલીકીના અને રેઢીયાળ પશુઓના મારણ કરતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યુ છે. દરમિયાન રવિવારે વહેલી સવારે પાલિતાણાના ભંડારીયાની સીમમાં દીપડાએ ત્રાટકી પરિવારજનો સાથે રહેતી અને ઘરના ફળીયામાં નીંદ્રાધીન દેવીપૂજક અરવિંદભાઈ પરમારની અઢી વર્ષીય પુત્રી દયાને ફાડી ખાધી હતી આ બનાવની જાણ કરાતા ઘટના સ્થળે સ્થાનિક ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ રવિવારે ૧૧ જુલાઇએ વહેલી સવારનો છે અને ભંડારિયા ગામની સિમમાં રહેતા અને મજૂરી કામ કરતા અરવિંદભાઈ પરમાર પોતાની અઢી વર્ષની બાળકી સાથે ફળીયામાં સુતા હતા, તે દરમિયાન દીપડો અચાનક હુમલો કરી બાળકીને ઉઠાવી ગયો હતો. આ ઘટના બાદ બાળકીની શોધખોળ કરતા ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વનવિભાગ ને જાણ થતાં મૃતદેહને જેસર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પરિવારને વહેલી તકે સરકારી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. આ માનવભક્ષી દીપડા ને પકડવા માટે આ વિસ્તારમાં ચાર પાંજરા ઓ મૂકવામાં આવ્યા હતા. જેને લઈ ગઇ કાલે મોડી રાત્રે અને આજે વહેલી સવારે માનવભક્ષી ૨ દીપડાને પકડી પાડવામાં આવ્યા હતા.