સોનગઢમાં બાહુબલીની વિરાટ મૂર્તિ સ્થપાશે

752
bvn1842018-6.jpg

ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન દેરાસરના પરિસરમાં દિવ્ય ઈતિહાસ રચાશે. એક જ પથ્થરમાંથી કંડારવામાં આવેલ ૪ર ફુટ ઉંચી ભગવાન બાહુબલીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તથા જંબુદ્વીપનું અનાવરણ યોજાશે.સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન દેરાસરના પૂર્વ ગુરૂદેવ કાનજીસ્વામી તા.પૂ. બહેન ચંપાબેનની શુભ પ્રેરણા થકી આજથી થોડા વર્ષો પૂર્વે સમગ્ર વિશ્વમાં બીજા ક્રમની અને ભગવાન શ્રી બાહુબલીની પૂર્ણ કદની વિરાટ મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રથમ ક્રમની મૂર્તિ પણ ભગવાન બાહુબલીની દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના પર્વત આચ્છાદિત જૈન અરણ્ય બેલગુણા શહેરમાં આવેલ પર્વત મધ્યે સ્વયંભુ રીતે બિરાજમાન છે. જેની ઉંચાઈ પ૧ ફુટ છે. આવી બેજોડ મૂર્તિ પુરા વિશ્વભરમાં કોઈપણ સ્થળે નથી. 
આવી જ આબેહુબ મૂર્તિનું નિર્માણ છેલ્લા ર વર્ષથી સોનગઢ ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક જ પથ્થરમાંથી કંડારવામાં આવેલ ભગવાન બાહુબલીની આ વિશાળ મૂર્તિનો પ્રથમ ભાગ તૈયાર થઈ ચુક્યો છે અને આજરોજ અખાત્રીજના શુભ દિને પ૦ ફુટના ડુંગર ઉપર સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ મૂર્તિના પાછળનો ભાગ કંડારવામાં આવશે અને ર૦ર૦ની સાલમાં મૂર્તિ સંપૂર્ણ પણે તૈયાર થયા બાદ ભવ્ય અને ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. એક જ પથ્થરમાંથી મૂર્તિ બનાવી દેવાનો પુરા વિશ્વમાં આ પ્રથમ બનાવ રહેશે. આ મૂર્તિને સ્થાપિત કરવાનું બીડુ એલ એન્ડ ટી કંપનીએ ઉપાડ્યું છે. જે અન્વયે ૬પ૦ ટન તથા ૩૦૦ ટન વજન ઉપાડી શકે, વહન કરી શકે તેવી બે મહાકાઈ ક્રેઈન લાવવામાં આવી છે. 
આ મૂર્તિ સ્થાપના અન્વયે ભગવાન બાહુબલી તથા પૂ.ગુરૂદેવ કાનજીસ્વામીના અનુયાયીઓ દેશ-વિદેશથી અત્રે આવી પહોંચ્યા છે. સવારે મૂર્તિની સ્થાપના થયા બાદ મૂર્તિનો મહાભિષેક તથા પંચશીલ મહાપૂજા યોજાશે. આ મૂર્તિ શેત્રુંજય પર્વત પરથી પણ નિહાળી શકાશે. ડુંગર બનાવવા માટે ૮ લાખ ઘન ફુટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા આ મૂર્તિ પાસે જંબુદ્વીપનું પણ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું અનાવરણ પણ આજરોજ યોજવામાં આવશે. ડુંગર-મૂર્તિ બન્ને મળી કુલ ઉંચાઈના ૯૧ ફુટ થાય છે. પૂ.ગુરૂદેવ કાનજી સ્વામીની આયુ પણ ૯૧ વયની હતી. 

મંદિરનું આયુષ્ય ૧ હજાર વર્ષથી પણ વધુ રહેશે
મંદિર નિર્માણ તથા મૂર્તિ અને જંબુદ્વીપના નિર્માણ કાર્યમાં કોઈપણ જગ્યાઓ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ વિશેષ ધાતુ જેને કાટ કે આબોહવાની કોઈ પ્રતિકુળ અસરો થતી નથી. ડુંગર બનાવવામાં જે પથ્થરો જોડવામાં આવ્યા છે તેને ઈન્ટર લોકથી ફીટ કરવામાં આવ્યા છે. આથી ગમે તેવા ભુકંપની કોઈપણ અસર થતી નથી. આ સ્થાન વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મૂર્તિના વિશાળ પથ્થરને કર્ણાટકથી અહી લાવ્યા બાદ આજદિન સુધી કોઈપણ અનિચ્છનિય ઘટના ઘટી નથી તેમજ આ પથ્થર પણ કોઈ પશુ પક્ષી બેસવા કે પસાર પણ થયું નથી. મૂર્તિનું દિવ્ય સ્વરૂપ કોઈપણ લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવું છે.

Previous articleકરદેજ નજીક બંધ ટ્રકમાં આગ ભભૂકી
Next articleટુંક સમયમાં ATM રોકડ ઉપલબ્ધ થશે : નીતીન પટેલ