ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રોહિત સારુ પ્રદર્શન નહીં કરે તો એને ટીમમાંથી તગેડી મૂકવો જોઇએઃ માંજરેકર

155

ન્યુ દિલ્હી,તા.૬
ઈન્ડિયન ટીમનાં ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્મા અંગે પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કડક પ્રતિક્રિયા આપી હતી. એણે કહ્યું હતું કે જો ઇંગ્લેન્ડ વિરૂદ્ધની સિરીઝમાં રોહિત શર્મા સારુ પ્રદર્શન નહીં કરે તો એને ટીમમાંથી તગેડી મૂકવો જોઇએ. રોહિત શર્મા માટે આ સિરીઝ કરો અથવા મરો જેવી છે. માંજરેકરનાં જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન ટીમમાં એવા ખેલાડીને સ્થાન ન આપવું જોઇએ જે માત્ર હોમ કંડિશનમાં જ રન બનાવી શકતો હોય. રોહિત શર્મા વિદેશી પિચ પર ટેસ્ટ મેચમાં ફેલ રહ્યો છે. જો ઈન્ડિયામાં રોહિતના રેકોર્ડની વાત કરીએ તો એણે કુલ ૧૮ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ૭૯.૫૨ની એવરેજથી એણે રન કર્યા છે. પરંતુ જ્યારે વાત વિદેશી પિચ પર સ્કોર કરવાની આવે ત્યારે રોહિત માત્ર ૨૭ની એવરેજથી રન બનાવી શક્યો છે. વળી રોહિત શર્માએ ટેસ્ટ મેચમાં તમામ સદી પણ ઈન્ડિયન કંડિશનમાં જ કરી છે. સંજય માંજરેકરે રોહિત શર્મા અંગે પ્રતિક્રિયા આપી હતી. માંજરેકરે કહ્યું હતું કે રોહિત શર્મા માટે એક બેટ્‌સમેન તરીકે આ સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે. ઈન્ડિયન ટીમમાં આવા એકપણ ખેલાડીની આવશ્યકતા નથી જે ૩૪ વર્ષનો હોવાછતાં વિદેશી પિચ પર રન બનાવી શકતો નથી. આની પહેલા આકાશ ચોપરાએ પણ રોહિત અંગે ઘટસ્ફોટ કર્યો હતો કે, એણે પોતાની ટેકનિક બદલવાની જરૂર છે. જો આમ જ ચાલતુ રહ્યું તો આગામી સમય જ બતાવશે કે ઇંગ્લેન્ડમાં રોહિત ચાલશે કે કેમ! ઇંગ્લેન્ડ અને ઈન્ડિયા સામેની પહેલી ટેસ્ટ મેચ ૪ ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનાં ઓપનર તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. જોકે આઈસીસી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં રોહિત શર્માએ સારી ઈનિંગ રમી હતી, પરંતુ એને હાઇસ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નહતો. ઈન્ડિયન ટીમ પણ ઇચ્છશે કે રોહિત શર્મા આ સિરીઝમાં સારુ પ્રદર્શન દાખવે અને મેચમાં પોતાની પકડ બનાવે. રોહિત શર્મા અને કે.એલ.રાહુલ વચ્ચે ૯૭ રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૧૦ વર્ષોમાં ઈન્ડિયાની આ સૌથી વધુ રનની પાર્ટનરશિપ (રોહિત-રાહુલ વચ્ચે ૯૭ રન) છે. આની પહેલા આ રેકોર્ડ રોહિત અને શુભમન ગિલનાં નામે હતો. એણે ઓસ્ટ્રેલિયા સામે ૭૧ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. લંચ પહેલાની છેલ્લી ઓવર (૩૭.૨)માં રોહિત શર્મા ૩૬ રન કરી આઉટ થઈ ગયો હતો.

Previous articleનેહા કક્કડે ઈન્સ્ટાગ્રામ પર ઘણા લોકોને અનફોલો કર્યા
Next articleનર્મદાના નીરથી ભાવનગરની જનતાને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે : શિક્ષણ મંત્રી ચુડાસમા