JK માં આતંકી ફંડિંગ મામલે ૪૦થી વધુ સ્થળે NIA ના દરોડા

209

શ્રીનગર,તા.૮
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારના જમ્મુ-કાશ્મીરના અનેક અલગ-અલગ સ્થાનો પર દરોડા પાડ્યા છે. આ રેડ અનંતનાગ જિલ્લામાં આતંકવાદ ફંડિંગ મામલે કરવામાં આવી. આ પહેલા ૧૦ જુલાઈના NIA એ ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરથી ૬ લોકોની ધરપકડ કરી હતી. NIAની ટીમ ડોડા, કિશ્તવાડ, રામવન, અનંતનાગ, બડગામ, રાજૌરી અને શોપિયાં સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા. જમાત-એ-ઇસ્લામીના સભ્ય ગુલ મોહમ્મદ વારના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા. એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીર સરકારના ૧૧ કર્મચારીઓને આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં હિઝબુલ મુઝાહિદ્દીનના સંસ્થાપક સૈયદ સલાહુદ્દીનના ૨ દીકરા પણ સામેલ છે. દિલ્હીની એક અદાલતે કથિત હિઝબુલ મુઝાહિદ્દીન આતંકવાદીઓની વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓનું ષડયંત્ર રચવા માટે પાકિસ્તાન પાસેથી ફંડ લેવાના મામલે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અદાલતે ગુનાહિત કાવતરું દેશની વિરુદ્ધ યુદ્ધ છેડવા અનેUPAની જોગવાઈઓ હેઠળ અલગ-અલગ આરોપો હેઠળ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. વિશેષ ન્યાયાધીશ પરવીન સિંહે પોતાના આદેશમાં કહ્યું કે, આતંકવાદી સંગઠને એક ફ્રંટલ સંગઠન જમ્મુ-કાશ્મીર પ્રભાવિત રાહત ટ્રસ્ટનું ગઠન કર્યું હતું. એ પણ જણાવવામાં આવ્યું કે, આ ટ્રસ્ટનો ઉદ્દેશ આતંકવાદી ગતિવિધિઓનું સેલ્ફ ફાયનાન્સ કરવાનો હતો. આ ટ્રસ્ટ મુખ્ય રીતે આતંકવાદીઓ અને તેમના પરિવારો માટે ફંડ પુરુ પાડવા માટે બનાવવામાં આવ્યું હતું. જાણકારી પ્રમાણે રવિવાર સવારે લગભગ ૫ વાગ્યે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોની સાથે સાથે અલગ-અલગ લોકેશન પર દરોડા પાડ્યા. કાશ્મીરની સાથે સાથે જમ્મુના અલગ-અલગ વિસ્તારોમાં જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા સંગઠનો તેમજ એનજીઓના કાર્યાલયો અને ઘરો પર આ કાર્યવાહી ચાલું છે.જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫છ હટ્યા બાદથી પાકિસ્તાન અકળાયુ છે. સરહદ પારથી તેની આતંકી ગતિવિધિઓ પર પણ સેના અને સુરક્ષા દળોએ નિશાન સાધ્યુ છે. આતંકી ઘૂસણખોરીમાં ભારે ઘટાડો કર્યો છે. કાશ્મીરમાં નવી આતંકી ભરતીમાં પણ ઘટાડો આવ્યો છે. પરિસ્થિતિ એ છે કે હવે તેને ડ્રોન દ્વારા પોતાના સાગરીત સુધી હથિયાર પહોંચાડવા પડે છે. ત્યાં પહાડી વિસ્તારમાં હથિયાર નીચે પાડવામાં આવી રહ્યા છે. આ તમામ પાકિસ્તાનની અકળામણને દર્શાવે છે.

Previous articleઆજે મોદી ખેડૂતોને કિસાન સમ્માન નિધિ હેઠળ ૧૯,૦૦૦ કરોડ રૂપિયા ફાળવશે
Next articleઝારખંડ પોલીસે નક્સલી વિસ્તારમાં ૧૪ લેન્ડ માઇન્ડને નિષ્ક્રિય કરાઇ