બૈજુ બાવરામાં પતિ સાથે કામ કરવા દીપિકાએ શરત મૂકી

429

મુંબઈ,તા.૯
બોલિવુડના સફળ ડાયરેક્ટરોમાંથી એક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’બૈજુ બાવરા’ છેલ્લા ખાસ્સા સમયથી ચર્ચામાં છે. પહેલા કહેવાઈ રહ્યું હતું કે, આ ફિલ્મમાં લીડ રોલ કરવા માટે રણબીર કપૂરને પસંદ કરવામાં આવ્યો છે. જોકે, બાદમાં અહેવાલ આવ્યા કે આ રોલ માટે રણવીર સિંહનું નામ લગભગ નક્કી છે. ચર્ચા તો એવી પણ હતી કે ’બૈજુ બાવરા’માં દીપિકા પાદુકોણ લીડ રોલ કરવાની છે. પરંતુ હવે મળી રહેલા સમાચાર મુજબ દીપિકા કદાચ આ ફિલ્મનો ભાગ નહીં બને. સંજય લીલા ભણસાલીએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે ’રામ લીલા’, ’બાજીરાવ મસ્તાની’ અને ’પદ્માવત’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે. ત્યારે ફરી એકવાર ’બૈજુ બાવરા’માં તેઓ આ જોડીને લેવા માગતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દીપિકાએ ’બૈજુ બાવરા’માં કામ કરવા તગડી ફી માગી છે. દીપિકા પાદુકોણે આ ફિલ્મ કરવા માટે રણવીર સિંહ જેટલી જ (ના એક રૂપિયા વધુ ના એક રૂપિયો ઓછો) ફી માગી છે. પતિ રણવીર સિંહ કરતાં જરાય વધારે કે ઓછી નહીં પરંતુ તેના જેટલી જ ફીની દીપિકા પાદુકોણની માગ ભણસાલીને મંજૂર નથી. એટલે જ કદાચ સંજય લીલા ભણસાલીએ ’બૈજુ બાવરા’માં દીપિકાને લેવાનો વિચાર પડતો મૂક્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણાં સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફીની અસામનતાનો મુદ્દો ચર્ચામાં છે. અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓને ઓછી ફી મળતી હોવાનો સ્વીકાર ઘણી એક્ટ્રેસિસ કરી ચૂકી છે. થોડા દિવસ પહેલા કરીના કપૂરે સીતાના રોલ માટે ૧૨ કરોડ રૂપિયા માગ્યા હતા તેને લઈને ઘણો ઉહાપોહ થયો હતો. હવે હાલ તો દીપિકા સાથે વાટાઘાટ કરીને સંજય લીલા ભણસાલી ’બૈજુ બાવરા’માં તેને લે છે કે પછી કોઈ બીજે હીરોઈન રણવીર સાથે રોમાન્સ કરશે તો તે આગામી સમયમાં ખબર પડશે. વર્કફ્રંટની વાત કરીએ તો, હાલ દીપિકા પાદુકોણ પાસે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે. દીપિકા પહેલીવાર હૃતિક રોશન સાથે કામ કરવા જઈ રહી છે. દીપિકા અને હૃતિક એક્શન ફિલ્મ ’ફાઈટર’માં જોડી જમાવશે. આ ફિલ્મ ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય દીપિકા પ્રભાસ સાથે પણ પહેલીવાર ફિલ્મ કરવા જઈ રહી છે. પ્રભાસ-દીપિકાની આ અનામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં છે. ઉપરાંત દીપિકા અને અમિતાભ બચ્ચન હોલિવુડ ફિલ્મ ’ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં જોવા મળશે. આ સિવાય દીપિકા અને પતિ રણવીર સિંહની ફિલ્મ ’૮૩’ રિલીઝ માટે તૈયાર છે.

Previous articleપેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પાનવાડી ચોક ખાતે ટ્રેડ યુનિયનો અને વિવિધ સંગઠનો દ્વારા માનવ સાંકળ રચવામા આવી
Next articleલગ્ન અંગેનો કપિલ દેવે પ્રશ્ન કરતા નિરજ ચોપરા શરમાયો