ઇંગ્લેન્ડ વિરુધ્ધ પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લિશ ફેન્સે ભારતીય ખેલાડીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો

178

નોટિંગહામ,તા.૯
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સનો શરમજનક વ્યવહાર સામે આવ્યો છે. તેમણે ભારતીય સમર્થકોને ડેલ્ટા વેરિયન્ટ કહી, દેશ છોડવા સતત ટકોર કરી હતી. એટલું જ નહીં ઇંગ્લિશ ફેન્સે વિરાટ સહિત મોહમ્મદ શમી અંગે પણ વંશીય ટિપ્પણી કરી શરમજનક વાતાવરણ ઊભું કર્યું હતું. જોકે આ વિવાદિત ટેસ્ટ મેચ વરસાદમાં ધોવાઈ જતા બંને ટીમના સમર્થકો નિરાશ થયા હતા. ૩૧ વર્ષીય બ્રિટિશ ઈન્ડિયન સમર્થકે સ્ટેડિયમના વાતાવરણ અને વંશીય ટિપ્પણીઓ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. તેણે જણાવ્યું, પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સ સતત ઈન્ડિયન સમર્થકો અને ખેલાડીઓ સામે વંશીય ટિપ્પણીઓ કરી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતા મહિલાને ઇંગ્લિશ સમર્થકોએ ઘેરી લીધી અને એના પરિવાર સામે વંશીય ટિપ્પણી અને અપશબ્દોનો પ્રયોગ કરી હેરાન કરવા લાગ્યા હતા. એટલું જ નહીં એક ઇંગ્લિશ સમર્થકે તો મહિલા અને એના પરિવારને ભારત પાછા જતા રહેવા પણ ટકોર કરી હતી. જોકે સ્ટેડિયમના અધિકારીઓ પણ તાત્કાલિક ધોરણે મહિલાની સહાયત કરવા આગળ આવ્યા હતા. સ્ટેડિયમમાં ચાલતી સતત વંશીય ટિપ્પણીના પરિણામે અધિકારીઓએ મહિલાને હેરાન કરતા ફેન્સ પર કાર્યવાહી કરી હતી. તેમણે કેટલાક ઇંગ્લિશ ફેન્સને સ્ટેડિયમ બહાર તગેડી મૂક્યા હતા. અધિકારીઓનાં કડક વલણ દાખવ્યા પછી પણ કંઈ સુધારો ન આવતા એમણે આ મહિલાને બીજા સ્ટેન્ડ્‌સમાં ખસેડવા નિર્ણય લીધો હતો. અધિકારીએ મહિલાને ઈન્ડિયન સમર્થકોના સ્ટેન્ડ્‌સમાં બેસાડી દીધી હતી. તેમ છતા કેટલાક ઇંગ્લિશ ફેન્સે ત્યાં પણ એને હેરાન કરવાનું ચાલૂ રાખ્યું હતું. તેઓ ઈન્ડિયન્સને ડેલ્ટા વેરિયન્ટ કહીને બોલાવતા હતા. જોકે હજુ સુધી મહિલાએ આ અંગે કોઇપણ પ્રકારની સત્તાવાર કાયદાકીય કાર્યવાહી કરી નથી.

Previous articleભારતે ચીન સરહદે ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનો તૈનાત કર્યા
Next articleનર્મદા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરાઇ