નર્મદા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરાઇ

552

રાજપીપળા,તા.૯
રાજપીપળા નજીક જીતનગર પોલીસ હેડ ક્વાટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ૯ મી ઓગષ્ટના દિવસે રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજય રૂપાણીએ રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં ૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસ કામોનો પ્રારંભ, લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજપીપળા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવા સાથે રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૨૨૨ કરોડના ૯૦ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વન અને ગીરી કંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન રહ્યું છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે. ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી. સોમનાથ મંદિરની રક્ષા હોય કે પછી ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય, ગુજરાતના જંબુઘોડાના વીર નાયકાઓએ અંગ્રેજો સામે ૪૦ વર્ષ સુધી લડી અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા. આખી દુનિયામાં રાજ કરનાર અંગ્રેજોને ડાંગના રાજા અને પ્રજાએ ગામમાં ઘુસવા દીધા નથી. આદીવાસી બંધોએ દેશ માટે હંમેશા પોતાના જીવ ન્યોછાવર કર્યા છે. માનગઢમાં ગોવિંદ ગુરુની આગેવાની હેઠળ અંગ્રેજો સામે લડતા જલિયાવાલા બાગ કરતાં પણ વધુ ૧૫૦૦ જેટલા આદિવાસીઓએ માતૃભૂમિ અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આદિવાસીઓના જન નાયક બિરસા મુંડાએ આદિવાસીઓને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડીને દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે પ્રયાસો કર્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે. અમારી સરકારે આદિવાસીઓને ખોટા વાયદા વચનો નહી, પરંતુ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.

Previous articleઇંગ્લેન્ડ વિરુધ્ધ પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લિશ ફેન્સે ભારતીય ખેલાડીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો
Next articleરાજકોટમાં તબીબોએ કોરોના વોરિયર્સ સન્માનપત્રને શ્રદ્ધાંજલિ આપી વિરોધ કર્યો