NDAની પરીક્ષામાં બેસવા મહિલાઓને સુપ્રીમની મંજૂરી

127

મહિલાઓને સૈનિક સ્કૂલ-કોલેજમાં પ્રવેશનો વિવાદ : કોર્ટે એનડીએ, સૈનિક સ્કુલો, RIMCમાં મહિલાઓને પ્રવેશ નહીં આપવાના વિચાર પર સેનાને ફટકાર લગાવી
નવી દિલ્હી, તા.૧૮
સુપ્રીમ કોર્ટે આજે યુવતીઓને પણ એનડીએ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે. હકીકતે સરકારના નિર્ણય બાદ પણ સૈનિક સ્કુલ અને ઈન્ડિયન મિલિટ્રી કોલેજ (આરઆઈએમસી)માં યુવતીઓને દાખલો નહીં આપવા મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી પર સુનાવણી થઈ રહી હતી તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૮ સપ્ટેમ્બરના રોજ આ પરીક્ષાનું આયોજન થવાનું છે. સૈનિક સ્કુલોએ ગત વર્ષથી પ્રાયોગિક સ્તરે યુવતીઓને લેવાનું શરૂ કરી દીધું હતું. ૧૫ ઓગષ્ટના રોજ વડાપ્રધાન મોદીએ પણ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે યુવતીઓને સૈનિક સ્કુલોમાં એડમિશન આપવામાં આવશે પરંતુ ઈન્ડિયન મિલિટ્રી કોલેજમાં હજુ યુવતીઓને પ્રવેશ મળવો સંભવ નથી બની રહ્યું. સેનાના કહેવા પ્રમાણે યુવકો અને યુવતીઓ માટે ટ્રેઈનિંગ અલગ-અલગ હોય છે. મહિલાઓને હજુ સુધી સેનાની કોમ્બાટ ફોર્સીઝમાં સામેલ નથી કરવામાં આવી અને તેમને ફક્ત ૧૦ નોન કોમ્બાટ સ્ટ્રીમમાં ભરતી કરવામાં આવે છે. સીનિયર એડવોકેટ ઐશ્વર્યા ભાટીએ આરઆઈએમસીમાં યુવતીઓને એડમિશન ન આપવાનો તર્ક આપતા કહ્યું કે, હાલ તેઓ આરઆઈએમસીમાં યુવતીઓને લેવાની સ્થિતિમાં નથી. તે ૧૦૦ વર્ષ જૂની સ્કુલ છે. આરઆઈએમસીના વિદ્યાર્થીઓ માટે એનડીએની પરીક્ષા આપવી ફરજિયાત હોય છે. તેમનું અલગ બોર્ડ છે. તે એનડીએની ફીડર કૈડર છે અને એનડીએમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે જોડાયેલી છે. તેના પર જસ્ટિસ કૌલે કહ્યું કે, તમે કહો છો કો, આરઆઈએમસી ૧૦૦ વર્ષ જૂની છે, તો તમે ૧૦૦ વર્ષના લૈંગિક ભેદભાવનું સમર્થન કરી રહ્યા છો? અમે પહેલેથી જ વચગાળાના આદેશ દ્વારા યુવતીઓને એનડીએમાં પ્રવેશની મંજૂરી આપી દીધેલી છે. તેના જવાબમાં ભાટીએ કહ્યું કે, આરઆઈએમસીના વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે એનડીએમાં સામેલ થવાનું છે. તેઓ ધોરણ-૮ના વિદ્યાર્થીઓને એડમિશન આપે છે અને તેમને વિશેષરૂપે ટ્રેઈનિંગ આપવામાં આવે છે. જો યુવતીઓએ તેમાં સામેલ થવું હોય તો તેમણે નિયમિત સ્કુલી શિક્ષણ છોડવું પડશે. સુપ્રીમ કોર્ટે એનડીએ, સૈનિક સ્કુલો, આરઆઈએમસીમાં મહિલાઓને પ્રવેશ નહીં આપવાના વિચાર પર સેનાને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, તમે આ મુદ્દે ન્યાયપાલિકાને આદેશ આપવા માટે લાચાર કરી રહ્યા છો.
એ યોગ્ય રહેશે કે તમે (સેના) પોતે આ માટે દિશાનિર્દેશ તૈયાર કરે. અમે એ યુવતીઓને એનડીએની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી રહ્યા છીએ જેમણે કોર્ટના બારણે ટકોરા માર્યા છે. સુપ્રીમ કોર્ટે યુવતીઓને હાલ વચગાળાના ઉપાય તરીકે એનડીએની પરીક્ષા આપવા મંજૂરી આપી છે. યુવતીઓના એનડીએમાં પ્રવેશ મુદ્દે નીતિ બનાવવા ૫ સપ્ટેમ્બરના રોજ વિચાર કરવામાં આવશે.

Previous articleપર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત હાથસણી ગામે પ્રકૃતિ શીબીર યોજાઇ
Next articleબીજા ડોઝના છ માસ બાદ ત્રીજો ડોઝ લેવો જરૂરી છે : પૂનાવાલા