કાળાનાળા તથા આંબાચોક ખાતે ગટરના ગંદા પાણી ફરી વળ્યા

689
bvn24418-7.jpg

શહેરના મુખ્ય એવા કાળાનાળા તથા આંબાચોક વિસ્તારોમાં વારંવાર અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો ચોકઅપ થઈ જવાના કારણે મેનહોલમાંથી રોડ પર ગંદા પાણી ફરી વળે છે. અત્યંત દુર્ગંધવાળા આ પાણીના કારણે લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કાળાનાળાથી કાળુભા રોડ કમિશ્નરના બંગલા તરફ જવાના રોડ પર લાંબા સમયથી અવારનવાર રોડ વચ્ચે અન્ડરગ્રાઉન્ડ આવેલ ડ્રેનેજની મુખ્ય લાઈન વારંવાર જામ થઈ જાય છે. પ્લાસ્ટીક સહિતના ઘનકચરો લાઈનમાં ફસાઈ જવાના કારણે મુખ્ય લાઈન ચોકઅપ થઈ જાય છે. વર્ષો જુની અને જર્જરીત લાઈન બદલાવવા ઉપરાંત નવા પ્લાન સાથે પાથરવાની સ્થાનિકો માંગ કરી રહ્યાં છે પરંતુ આ અંગે તંત્ર દુર્લક્ષ સેવી રહ્યું હોય કાળાનાળા જેવા પોષ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે. આ માર્ગ પરથી ભાવનગર મહાપાલિકાના કમિશ્નર તથા અન્ય હોદ્દેદારો અધિકારીઓ એકથી વધુ વાર પસાર થાય છે અને સ્થિતિથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યાં છે કંઈક આવી જ સ્થિતિ શહેરના હાર્દસમા વિસ્તાર આંબાચોકની છે. અહીં પણ આજે સાંજના સમયે એક થી વધુ ડ્રેનેજના મેનહોલમાંથી ગંદા પાણીનો રીસાવ શરૂ થતા રાહદારીઓ, વેપારીઓ, વાહન ચાલકો તથા સ્થાનિકો માટે આ સમસ્યા શિરદર્દ સમાન સાબીત થઈ રહી છે. સાંજે શરૂ થયેલ ઉભરાતી ગટર મોડી સાંજ સુધી શરૂ રહી હતી. પરિણામે અત્યંત વાસ મારતા પાણી વચ્ચેથી પસાર થવું અને આ સ્થિતિ વચ્ચે વેપારીઓને વેપાર કરવો દુષ્કર સાબીત થયું હતું.
આ બાબતે મહાપાલિકાના ડ્રેનેજ વિભાગને વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. અવિરત વહેતા ગંદા પાણીથી દુષિત કચરો રોડ પર ફરી વળ્યો હતો. આ સ્થિતિ લાંબો સમય રહેશે તો લોક આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.

Previous article ખેરા ગામે સ્વચ્છતા જાળવવાનાં ગ્રામજનોએ સમુહ સંકલ્પ કર્યો
Next article વિશ્વ પુસ્તક દિન અને કોપીરાઇટ ડે ની ઉજવણીના ભાગરૂપે સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે પુસ્તક પ્રદર્શન યોજાયું