કાબુલથી ભારત પરત આવેલ ૭૮ લોકોમાંથી ૧૬ને કોરોના

207

કાબૂલથી પવિત્ર ગુરુગ્રંથ સાહિબની ૩ નકલો લઈને પાછા ફરેલી ત્રણ ગ્રંથી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા
નવી દિલ્હી,તા.૨૫
અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરીને ભારત પાછા લાવવાનું મિશન સતત ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા ફરેલા કુલ ૭૮ લોકોમાંથી ૧૬ લોકો કોરોના પોઝિટુવ નીકળ્યા છે. મળતી માહિતી મુજબ કાબુલથી પવિત્ર ગુરુગ્રંથ સાહિબની ૩ નકલો લઈને પાછા ફરેલી ત્રણ ગ્રંથી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે આ તમામ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ તમામ ૭૮ લોકોને હાલ ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને અન્ય નેતાઓ, અધિકારીઓ પણ આ તમામના સંપર્કમાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના કાબુલથી સતત ભારતીય વાયુસેનાના વિમાનોથી લોકોને દેશ પરત લાવવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય નાગરિકોની સાથે સાથે અફઘાની નાગરિકો પણ સામેલ છે. આ જ કડીમાં ગઈ કાલે ૭૮ લોકોને લાવવામાં આવ્યા હતા. જેમની સાથે ગુરુગ્રંથ સાહિબની ત્રણ નકલો પણ કાબુલથી પાછી લાવવામાં આવી. ભારત અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત પાછા લાવવામાં આવ્યા છે. એમ્બેસીમાં કામ કરનારા સ્ટાફનું અગાઉ કાબુલથી રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે. ભારત દરરોજ બે વિમાનમાં લોકોને લાવવાની કામગીરીમાં લાગ્યું છે. જો કે અફઘાનિસ્તાનથી પાછા આવનારા લોકોની સાથે સતર્કતા પણ વર્તવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંકટને જોતા લોકોને ક્વોરન્ટિન કરાવવામાં આવી રહ્યા છે. તેમના ટેસ્ટ થઈ રહ્યા છે. ભારતે પોતાના આ મિશનને ઓપરેશન દેવી શક્તિ નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે ભારત પોતાના નાગરિકોની સાથે સાથે અફઘાની નાગરિકો અને દુનિયાના અન્ય લોકોને પણ બચાવી રહ્યું છે. હાલમાં જ ભારત દ્વારા નેપાળ, લેબનોનના નાગરિકોનું પણ રેસ્ક્યૂ કરાયું હતું.

Previous articleગુનાઈત ભૂતકાળવાળા સાંસદ પર પ્રતિબંધ અંગે સંસદ વિચારે
Next articleશિક્ષીકાના પતિને છરીના ઘા ઝીંકી ઇજા કરનાર હાથબના યુવાનને સાત વર્ષની સજા ફટકારાઇ