તા. પં.ની કારોબારી રચનામાં ભડકો, રસિકજી ચેરમેન

2077

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી છતા પોતાનાં સદસ્યોની નારાજીએ તાલુકા પંચાયતની સત્તા ગુમાવી, કારોબારી તથા સામાજીક ન્યાય સમિતી મેળવવા કોંગ્રેસે નારાજને તો મનાવ્યા પણ કારોબારી ચેરમેનની પસંદગીને લઇને ફરી ભડકો થયો છે. કોંગ્રેસનાં પડખે રહેલા રાંધેજાનાં અપક્ષ સદસ્ય રસીકજી ઠાકોરને કારોબારી ચેરમેન બનાવાતા કોંગ્રેસનાં સિનીયર આગેવાન કુબેરજી ગોલ હોલમાંથી નિકળી ગયા હતા અને ભાજપનાં પ્રમુખને રાજીનામું મોકલી દીધુ હતુ.

કોંગ્રેસે બે સપ્તાહ પુર્વે સસ્પેન્ડ કરાયેલા ૬ સદસ્યોને પરત લઇને બહુમતી પુરવાર કરીને કારોબારી તથા સામાજીક ન્યાય સમિતીને પોતાનાં હસ્તક કરી લીધી હતી. જે બંને સમિતીના હોદેદારોની વરણીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતીનાં ઉપપ્રમુખ અરજણજી ઠાકોરનાં રાંધેજા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા રસીકજી ઠાકોર તથા વાવોલ બેઠકનાં સિનીયર નેતા કુબેરજી ગોલનું નામ ચાલી રહ્યુ હતુ. બેઠકમાં પક્ષનો વ્હીપ વાંચવામાં આવતા રસીકજીની પસંદગી થતા કુબેરજી બહાર નિકળી ગયા હતા અને કારોબારી સમિતીમાંથી રાજીનામુ લખીને ટીડીઓને મોકલી દીધુ હતુ. જયારે સામાજિક ન્યાય સમિતીનાં ચેરમેન પદે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનાં સક્રિય ભાટ બેઠકનાં યુવા સદસ્ય પ્રકાશકુમાર વાણીયાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જો કે કુબેરજીને લઇને થયેલો ભડકો કોંગ્રેસને ફરી દઝાડે તેવી શકયતા છે. આજે બંને સમિતીનાં ચેરમેનોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવશે. ગાંધીનગર તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે રસિકભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી હતી

Previous articleઅન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક
Next articleપરેશ ધાનાણીએ સાપ પકડ્‌યો : પોસ્ટ અને વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો