ગૃહ મંત્રાલયની સુધારેલી એકત્રિત માર્ગદર્શિકા

5735

નવી દિલ્હી 15-04-2020

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ 2020ના રોજ આપેલા રાષ્ટ્રજોગ સંદેશમાં જાહેરાત કરી હતી કે દેશમાં કોવિડ-19નો ફેલાવો રોકવા માટે 3 મે 2020 સુધી લૉકડાઉનનો અમલ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, દેશમાં અમુક ઓળખી કાઢવામાં આવેલા વિસ્તારોમાં આવશ્યક પ્રવૃત્તિઓને 20 એપ્રિલ 2020થી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કરેલી આ જાહેરાતને અનુલક્ષીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 14 એપ્રિલ 2020ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે, ભારતમાં લૉકડાઉનનો અમલ 3 મે 2020 સુધી લંબાવવામાં આવ્યો છે. વધુમાં, MHA દ્વારા 15 એપ્રિલ 2020ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ જિલ્લા વહીવટીતંત્રો દ્વારા જે વિસ્તારોને ચેપગ્રસ્ત ઝોન તરીકે સીમાંકિત કરવામાં આવ્યા નથી ત્યાં કેટલીક વધારાની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે છે.

15 એપ્રિલ 2020ના રોજ આપવામાં આવેલા આદેશ સાથે, એકત્રિત સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં સમગ્ર દેશમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, ચેપગ્રસ્ત ઝોનમાં મંજૂરી આપેલી પ્રવૃત્તિઓ અને દેશના બાકીના ભાગોમાં 20 એપ્રિલ 2020થી મંજૂરી આપવામાં આવેલી પસંદગીની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

આ સુધારેલી માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય લૉકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન થયેલા ફાયદાને વધુ મજબૂત કરવાનો અને કોવિડ-19ના ફેલાવાને હજુ પણ ધીમો પાડવાનો તેમજ સાથે-સાથે ખેડૂતો, શ્રમિકો અને દૈનિક રોજગારી રળીને ગુજરાન ચલાવતા લોકોને રાહત આપવાનો છે.

સમગ્ર દેશમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં વાયુ, રેલ અને જમીનમાર્ગથી મુસાફરી; શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓનું પરિચાલન; ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓ; આતિથ્ય પ્રવૃત્તિઓ; તમામ સીનેમાઘરો, શોપિંગ સંકુલો, થિયેટરો વગેરેનું પરિચાલન, તમામ સામાજિક, રાજકીય અને અન્ય કાર્યક્રમોનું આયોજન અને તમામ ધાર્મિક સ્થળો/ પ્રાર્થનના સ્થળો જાહેર જનતા માટે ખુલ્લા મુકવા તેમજ ધાર્મિક સભા કે મેળાવડાનું આયોજન સામેલ છે.

ચોક્કસ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ જેમકે, કાર્યસ્થળે અને જાહેર સ્થળે ઘરે બનાવેલા ફેસ કવર માસ્ક ફરજિયાત પહેરવા, સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવા સહિત સ્વચ્છતા અને આરોગ્ય સંભાળના માપદંડોનું ચુસ્ત પાલન, બદલાતી પાળીમાં કામગીરી, ઍક્સેસ નિયંત્રણ, થર્મલ સ્ક્રિનિંગ અને થૂંકવા બદલ દંડ વગેરે માટે ઉલ્લંઘન કરવા બદલ દંડાત્મક જોગવાઇઓ લાગુ પડશે.

સુધારેલી માર્ગદર્શિકા અનુસાર 20 એપ્રિલ 2020થી જે પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે તે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ જિલ્લા વહીવટીતંત્રો દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHF&W)ની માર્ગદર્શિકા અનુસાર ચેપગ્રસ્ત ઝોન તરીકે સીમાંકિત કરેલા વિસ્તારો માટે માન્ય રહેશે નહીં. આ ઝોનમાં, કોઇપણ વ્યક્તિને બહાર જવા/ અંદર આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેમાંથી આવશ્યક સેવાઓ જેમ કે, તબીબી ઇમરજન્સી તેમજ કાયદો અને વ્યવસ્થાપનું પાલન કરવાની ફરજો અને સરકારી વ્યવસાય ચાલુ રાખવા જેવી સેવાઓ ચાલુ રાખવા માટે તેને બાકાત રાખવામાં આવ્યા છે.

મોટી સંખ્યામાં કોવિડ-19ના ફેલાવા માટે જવાબદાર અથવા જ્યાં ઝડપથી કેસોની સંખ્યા વધી રહી છે તેવા હોટસ્પોટ જિલ્લામાં બીમારી નિયંત્રણ માટે ખૂબ જ ચુસ્ત પગલાંનો અમલ કરવામાં આવશે. ચેપગ્રસ્ત ઝોન અને ચેપ નિયંત્રણ પગલાં અંગેની વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માત્ર આવશ્યક સેવાઓને આ ઝોનમાં મંજૂરી આપવામાં આવશે અને કોઇપણ પ્રકારના આવન-જાવન પર ચુસ્ત મર્યાદા નિયંત્રણ અને ચુસ્ત પ્રતિબંધોનો અમલ કરવામાં આવ્યો છે.

20 એપ્રિલ 2020થી કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ સંપૂર્ણ કાર્યરત રહે, ગ્રામીણ અર્થતંત્રના કાર્યો પૂર્ણ ક્ષમતા સાથે કામ કરે, દૈનિક કમાણી કરીને ગુજરાન ચલાવતા લોકોને રોજગારીની તકો મળે અને શ્રમબળમાં અન્ય શ્રમિકો ઉમેરી શકાય તેવો છે જેમાં પસંદગીની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પૂરતા પ્રમાણમાં સલામતી અને ફરજિયાત પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) તેમજ ડિજિટલ અર્થતંત્ર સાથે પરિચાલન માટે મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે, દેશમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે, કોવિડ-19 વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય નિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે જેનો અમલ જિલ્લા મેજિસ્ટ્રેટે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005માં સૂચવ્યા અનુસાર દંડ અને દંડાત્મક પગલાં દ્વારા કરાવવાનો રહેશે.

માલસામાનના પરિવહનને મંજૂરી આપવામાં આવશે જેમાં આવશ્યક અથવા બિન-આવશ્યક તમામ પ્રકારનું પરિવહન થઇ શકશે. ખેત પેદાશોની ખરીદી, સૂચિત બજારો દ્વારા કૃષિ માર્કેટિંગ અને સીધા તેમજ વિકેન્દ્રિકૃત માર્કેટિંગ, ઉત્પાદન, ખાતર અને બિયારણનું વિતરણ અને છુટક વેચાણ સહિત ખેતીવાડી સંબંધિત કામગીરીઓ; દરિયાઇ અને આંતરિક વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓ; દુધ, દુધના ઉત્પાદનો, મરઘા ઉછેર અને પશુધન ઉછેર સહિત પશુ સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓ; અને ચા, કોફી અને રબરના વાવેતર સંબંધિત કામગીરીઓ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ સહિત ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા ઉદ્યોગો; રસ્તાના બાંધકામ, સિંચાઇ પરિયોજનાઓ, ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામ અને ઔદ્યોગિક પરિયોજનાઓ; સિંચાઇ અને જળ સંચય કામગીરીઓને પ્રાથમિકતા સાથે મનરેગા હેઠળના કાર્યો; અને ગ્રામીણ સામાન્ય સેવા કેન્દ્રો (CSC)ના પરિચાલન જેવી તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે.

ઍક્સેસ નિયંત્રણ સહિતના ઉત્પાદન અને અન્ય ઔદ્યોગિક એકમોને સેઝ, EoU, ઔદ્યોગિક એસ્ટેટ્સ અને ઔદ્યોગિક ટાઉનશીપમાં સામાજિક અંતર માટે SOPના ચુસ્ત અમલ સાથે મંજૂરી આપવામાં આવી છે. IT હાર્ડવેર અને આવશ્યક વસ્તુઓ અને પેકેજિંગના ઉત્પાદનની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. કોલસો, ખનીજ અને તેલ ઉત્પાદનની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. એવી અપેક્ષા છે કે, ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્રો આ પગલાંથી પુનર્જિવિત થશે અને રોજગારીની તકોનું સર્જન થશે તેમજ સાથે સાથે સલામતીના પ્રોટોકોલનું પાલન અને સામાજિક અંતર જાળવવાનું પણ સુનિશ્ચિત કરશે. સાથે સાથે, નાણાકીય ક્ષેત્રના મહત્વના ઘટકો જેમકે RBI, બેંકો, ATM, SEBI દ્વારા સૂચિત મૂડી અને ડેબ્ટ બજારો અને વીમા કંપનીઓની કામગીરી પણ ચાલુ રહેશે, જેથી ઔદ્યોગિક ક્ષેત્રોને પૂરતા પ્રમાણમાં રોકડ તરલતા અને ધિરાણ સહાય ઉપલબ્ધ થઇ શકે.

સેવા ક્ષેત્ર માટે ડિજિડલ અર્થતંત્ર મહત્વપૂર્ણ છે અને રાષ્ટ્રીય વૃદ્ધિ માટે પણ તે મહત્વનું છે. તદઅનુસાર, ઇ-કોમર્સની કામગીરીઓ, IT સંબંધિત કામગીરીઓ અને IT સક્ષમ સેવાઓ, સરકારી પ્રવૃત્તિઓ માટે ડેટા અને કૉલ સેન્ટર અને ઑનલાઇન શિક્ષણ તેમજ ડિસ્ટન્સ લર્નિંગ જેવી તમામ પ્રવૃત્તિઓને હવે મંજૂરી આપવામાં આવી છે.

સુધારેલી માર્ગદર્શિકામાં આરોગ્ય સેવાઓ અને સામાજિક ક્ષેત્રની કામગીરી; સાર્વજનિક ઉપયોગીતાઓની કામગીરી કોઇપણ અવરોધ વગર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે; આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા સાંકળની કામગીરી વિના અવરોધે ચાલુ રાખવાની મંજૂરી છે; અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓનીની મહત્વની કચેરીઓ તેમના સંપૂર્ણ કાર્યબળ સાથે ચાલુ રાખી શકાશે.

એકંદરે કહેવામાં આવે તો, સુધારેલી એકત્રિત માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય દેશમાં COVID-19નો ફેલાવો નિયંત્રિત કરવા માટે સલામતીને સર્વોપરી ગણવામાં આવી છે ત્યારે તમામ ક્ષેત્રમાં પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરીને અર્થતંત્રના એવા ક્ષેત્રોના પરિચાલનને મંજૂરી આપવાનો છે જે ગ્રામીણ અને કૃષિ વિકાસ તેમજ રોજગારી નિર્માણના પરિપ્રેક્ષ્યથી મહત્વપૂર્ણ છે.

આજે સવારે બહાર પાડવામાં આવેલી સુધારેલી માર્ગદર્શિકાઓના સરળતાથી અને અસરકારક અમલીકરણ માટે ચર્ચા કરવા કેબિનેટ સચિવ દ્વારા મુખ્ય સચિવો અને DGP સાથે બેઠક યોજવામાં આવી છે. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય આરોગ્ય સચિવ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા.

તમામ કલેક્ટર, SP, મ્યુનિસિપલ કમિશનરો અને સિવિલ સર્જનો પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.