જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં થયેલું વિરોધ પ્રદર્શન

117

ગુજરાતભરમાંથી કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઊમટી પડ્યા : સજ્જડ પોલીસ-બંદોબસ્ત
સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતા રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં. ત્યારે સોમવારે ફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ ૧લી એપ્રિલ, ૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે. તાજેતરમાં રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જેને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ બુલંદ બની છે. આજે સોમવારે સંયુક્ત મોરચાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓ ગાંધીનગર એકઠા થવા લાગ્યા છે. જેમાં કેટલાક ઉચ્ચ નિવૃત અધિકારીઓ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા છે.

Previous articleવિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
Next articleસર ટી.માં ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવવાથી મહિલાના મોતના બનાવમાં પગલા ભરવા માંગ