માઉન્ટ કાર્મેલની ઘટનાનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ, આવેદનપત્ર

1556

ગાંધીનગરમાં ક્રિશ્ચિયન મિશનરી સ્કુલ માઉન્ટ કાર્મેલમાં રાખડી કાપ્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. હિન્દુ સંગઠનોેએ જોરદાર વિરોધ નોંધાવતાં આજે શિક્ષણની ડી.ઈ.ઓ.ની ઓફીસમાં રામધૂન અને સૂત્રોચ્ચાર કરી હિન્દુ તહેવાર રક્ષાબંધનનો સ્કુલ દ્વારા કરાયેલા વિરોધ સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય હિન્દુ સંગઠનોએ પણ જોરશોરથી પોતાનો વિરોધ નોંધાવતાં સ્કુલવાળા ઘુંટણીએ પડયાના અહેવાલો છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સેકટર-૨૧માં આવેલી મિશનરી શાળા માઉન્ટ કાર્મેલ અનેકો વખત ચર્ચામાં રહે છે. ગાંધીનગર ખાતેની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં એક શિક્ષિકાએ આજે ધોરણ-૫ના વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડીએ બળજબરી પૂર્વક કાપી નાંખતા ચકચાર મચી જવા પામી છે. ધોરણ-૫માં બનેલી આ ઘટના છે. આ સમગ્ર મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે તપાસ માટે આજે એટલે કે બુધવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.

આ ઘટનાને પગલે વાલીઓમાં પણ ભારે આક્રોશ ઉઠ્‌યો છે અને જિલ્લા કલેક્ટર તથા શિક્ષણ મંત્રીને રજૂઆત કરીને જવાબદાર શિક્ષિકા સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગને કડક સૂચના આપી છે. ચુડાસમાએ કહ્યું કે, અમે સ્કૂલ પાસેથી ત્રણથી ચાર દિવસમાં ખુલાસો માંગ્યો છે. આ ખરેખર અનિચ્છનિય ઘટના છે. આ પ્રકારની હરકતથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ શકે છે. કોના આદેશથી અને કોને આવું કૃત્ય કર્યું છે તેનો ખુલાસો સ્કૂલ તરફથી અપાયા બાદ શું પગલાં લેવા તેની કાર્યવાહી કરવામાં આવશે.

રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં બહેન રાખડી બાંધે છે. પરંતુ ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં આજે કંઈક અજુગતી ઘટના બની છે. ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હાથ પર રાખડીઓ જોઈને એક શિક્ષિકાને સુરાતન ચડ્‌યું અને વિદ્યાર્થીઓના હાથ પર રાખડીઓને કાતર વડે રીતસરની કાપી નાંખી હતી. વિદ્યાર્થીઓ પોતાની શિક્ષિકાનું આ રૂપ જોઈને ડઘાઈ ગયા હતા.

Previous articleમોડાસા કલેક્ટર કચેરીમાં ભેંમપુરના ખેડૂતનો આત્મ વિલોપનનો પ્રયાસ
Next articleવિધાનસભાના આગામી સત્રની તારીખ જાહેર, કોંગ્રેસ આ મુદ્દાઓને લઈને સજ્જ