૧૮-૨૦ જાન્યુ. દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે

750

રાજ્યમાં આગામી ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં ૧૨ કન્ટ્રી પાર્ટનર, ૧૦૦ થી વધારે દેશોના ૨૭૦૦ થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે. ૨૬૦ થી વધુ બી ટુ જી અને ૩૫૫ થી વધુ બી ટુ બી મિટિંગ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા પીએમ નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશોના મહાનુભાવો આવશે. આ અંગેની તડામાર તૈયારીઓ હાલ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચાલી રહી છે.

આ મામલે રાજ્યના મુખ્ય સચિવ જે. એન.સિંહે જણાવ્યું હતું કે, પીએમ મોદીની ’ગ્લોબલ વેલ્થ ફંડ’ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. આ સમિટ વેળા “આફ્રિકા ડે” પણ ઉજવણી કરવામાં આવશે.

ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રંવાડા સહિતના ૫ દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ ૧૮ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન સાથે ડીનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં ૧૫ દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્‌સ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ભાવિ વિકાસ દર્શન સાથે મેઇક ઇન ઇન્ડિયા ની સાફલ્યા ગાથા બાબતે પ્રદર્શન અત્રે પ્રદર્શન પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ સમિટ અંતર્ગત ૨૦ કન્ટ્રી સેમિનાર અને ૭ સ્ટેટ સેમિનારનું આયોજન થશે. આ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન, સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન, ’નાસા’ના સહયોગથી ’સ્પેસ એક્સપલોરેશન’ વિષયક પ્રદર્શન, રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ સહિતની ઈવેન્ટ્‌સ યોજાશે.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૯ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોટ મુકી છે તેનો રોડ મેપ ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨’ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યપ્રધાને જે સપનું સેવ્યું છે એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે.

આ મેગા ઇન્વેસ્ટર્સ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

’શોપિંગ ફેસ્ટિવલ’માં ૨૦ હજાર વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે. શોપિંગ ફેસ્ટિવલ આગામી સમયમાં બ્રાન્ડ બનશે અને આગામી સમયમાં વાયબ્રન્ટ સિવાયના સમયે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવામાં આવશે તેવું પણ મુખ્ય સચિવ સિંગે ઉમેર્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદી ૧૭મી તારીખે ગુજરાત આવશે. આ દિવસે તેઓ ટ્રેડ શોનો ખુલ્લો મૂકશે, તેમજ વી.એસ. હોસ્પિટલની મુલાકાત લઈને બેઠક કરશે. ૧૮મી જાન્યુઆરીએ તેઓ ૧૦ વાગ્યે વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે. આ દિવસે તેઓ ગુજરાતમાં જ રહે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

Previous articleKnow India Programme : ૯ દેશોના યંગસ્ટર્સ ગુજરાતના પ્રવાસે
Next articleઉત્તરાયણના ઉત્સવની મોજ કરાવતી સામગ્રીથી બજાર છલકાયું