રાજયમાં ઉગ્ર અને હિંસક દેખાવો

830

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના અવન્તિકાપુર ખાતે આંતકવાદી ફિદાયીન હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફ જવાનોના જઘન્ય હત્યાકાંડને લઇ ગુજરાત સહિત દેશભરમાં ઉંડા અને ઘેરા આઘાત વચ્ચે ઉગ્ર આક્રોશ અને બદલાની લાગણી ભભૂકી ઉઠી હતી. આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં આરએસએસ, વીએચપી-બજરંગ દળ, કોંગ્રેસ, ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચ, એનએસયુઆઇ સહિતના સંગઠનોએ કુખ્યાત આંતકવાદી, પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સળગાવવા, જોરદાર સૂત્રોચ્ચાર, પાકિસ્તાન અને આંતકવાદીઓ સામે ફિટકાર સહિતના અનેક જલદ અને વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદમાં થલતેજમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાદહનના કાર્યક્રમ દરમ્યાન ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઇ ભરવાડે આંતકવાદીઓના કૃત્યને કાયરતાપૂર્ણ અને પાકિસ્તાનની માનસિક વિકૃતિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ઓપરેશન ઓલઆઉટથી ડરેલા આંતકીવાદીઓએ આ કૃત્ય કર્યું છે, જેને વખોડવા કે દુઃખ વ્યકત કરવા શબ્દો પણ નથી. દેશની જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકયો છેે ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઇએ એ હવે દેશના લોકોની લાગણી છે.  પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઇ છે.  જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના અવન્તિકાપુર ખાતે આંતકવાદી ફિદાયીન હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફ જવાનોના કરૂણ મોતને લઇ ગુજરાત સહિત દેશભરમાં લોકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. ગુજરાત સહિત દેશભરમાં પાકિસ્તાન અને આંતકવાદી હુમલાના વિરોધમાં ઠેર-ઠેર ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. લોકો જાણે રીતસરના રસ્તા પર આવી ગયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ભરૂચ સહિતના સંખ્યાબંધ શહેરોમાં અને સ્થળોએ ઠેર-ઠેર આંતકવાદી હુમલાના વિરોધમાં પૂતળાદહન અને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ બાળવા સહિતના અનેક જલદ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં લોકો રસ્તા પર ઉતરી આવી ખૂબ મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા.  શહેરના થલતેજ વિસ્તારમાં ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચના કાર્યકરોએ ઉપાધ્યક્ષ મુકેશભાઇ ભરવાડના નેજા હેઠળ પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ બાળવાનો અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાનું દહનનો જોરદાર જલદ કાર્યક્રમ યોજયો હતો.  આક્રોશિત કાર્યકરોએ પાકિસ્તાન હાય…હાય…પાકિસ્તાન મુર્દાબાદ, બદલા લો..બદલા લો..પાકિસ્તાન સે બદલા લો..સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર અને છાજિયા લઇને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને લઇ વાતાવરણ ગરમાયું હતું. આ જ પ્રકારે વીએચપી, બજરંગદળ, આરએસએસ, એનએસયુઆઇ સહિતના સંગઠનો દ્વારા પણ વિવિધ શહેરોમાં અને જિલ્લા-તાલુકા કક્ષાએ પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ સળગાવવાના, પાકિસ્તાની આંતકવાદી હાફિઝ સઇદના પૂતળા બાળવા સહિતના જલદ કાર્યક્રમો યોજાયા હતા

નવસારીમાં આરએસએસ-વીએચપી અને બજરંગદળના કાર્યકરોએ આંતકવાદી મસૂદ અઝહરના પૂતળાને ગોળી મારી, તેના દહનનો જલદ કાર્યક્રમ યોજયો હતો. તો, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોએ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને દેશભકત નાગરિકોએ કેન્ડલ માર્ચ, શાંતિમૌન રેલી અને ધરણાંના કાર્યક્રમો યોજીને આપણા વીર શહીદ જવાનોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રભકિતના જુવાળ વચ્ચે લોકો શ્રધ્ધાંજલિના બેનરો સાથે માર્ગો પર ઉતરી આવ્યા હતા. સામાજિક કાર્યકર અશોક પોપટલાલ મહેતાએ તો શહીદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પતાં જણાવ્યું કે, ખરેખર તો, દેશમાં કોઇપણ પ્રકારના ઇલેકશન રદ કરીને તેનો તમામ ખર્ચ પાકિસ્તાન સામેના યુધ્ધ માટે ઉપયોગમાં લેવો જોઇએ અને પાકિસ્તાનને ઐતિહાસિક પાઠ ભણાવવો જોઇએ.

Previous articleઆત્મઘાતી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા મજબૂત
Next articleશહીદ જવાનોને નરેન્દ્ર મોદી, સિતારામન અને રાહુલે એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ અર્પી