લોકસભા ચૂંટણી લડવા હાર્દિક પટેલની અંતે સુપ્રીમ કોર્ટમાં ઘા

823

વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં અને બે વર્ષની સજા ફરમાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે માંગતી હાર્દિક પટેલની રિટ અરજી ફગાવવાના ચુકાદાને હાર્દિક પટેલે પણ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે. આગામી લોકસભા ચૂંટણી લડી શકાય તે હેતુથી હાર્દિક પટેલે સુપ્રીમકોર્ટમાં મહત્વની પિટિશન દાખલ કરી છે, જેની સુનાવણી આવતીકાલે નીકળે તેવી શકયતા છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.જી.ઉરેઝીએ હાર્દિક પટેલની અરજી આકરા વલણ સાથે ફગાવતાં લોકસભાની આગામી ચૂંટણીમાં હવે હાર્દિક પટેલ પોતાની ઉમેદવારી ના કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હાઇકોર્ટે હાર્દિક પટેલને દોષિત ઠરાવતાં ટ્રાયલ કોર્ટના હુકમને યોગ્ય અને વાજબી ગણાવ્યો હતો. આમ, હાર્દિક દોષિત બરકરાર રહેતાં લોક પ્રતિનિધિત્વ ધારા અને ચૂંટણી માર્ગદર્શિકાના નિયમો મુજબ, તે હવે આગામી લોકસભા ચૂંટણી નહી લડી શકે. જો કે, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદા સામે હાર્દિક પટેલ દ્વારા સુપ્રીમકોર્ટમાં અરજન્ટ પિટિશન મુવ કરાઇ હતી. કારણ કે, તા.૪થી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. હાર્દિક પટેલ તરફથી પિટિશનમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં ટ્રાયલ કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી. સજાના આ હુકમને પડકારતી અપીલમાં કોર્ટે તેની બે વર્ષની સજા પર તો સ્ટે આપ્યો છે, પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. જેના કારણે તેને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. આ સંજોગોમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના તેને દોષિત ઠરાવતા હુકમ સામે પણ સ્ટે ફરમાવવો જોઇએ. હાઇકોર્ટે અરજદારની પિટિશન ફગાવી ત્યારે કેસના સઘળા પાસા ધ્યાનમાં લીધા નથી. વળી, હાઇકોર્ટના આ ચુકાદાના કારણે અરજદારના બંધારણીય અને મૂળભતૂ અધિકારોનો ભંગ થાય છે. આ સંજોગોમાં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટના ચુકાદાને રદબાતલ ઠરાવવો જોઇએ અને અરજદારને ઉપરોકત કેસમાં દોષિત ઠરાવતાં હુકમને સ્ટે કરવો જોઇએ.

Previous articleરાજકોટ-અમદાવાદ-મુંબઇ વચ્ચેની ૨૬ ટ્રેનો શરૂ કરાઇ
Next articleમોદી ૧૦મીએ ગુજરાત આવશે