રાહુલ પર અમેઠીમાં સાત વખત લેસર ગન તાકવામાં આવી : કોંગ્રેસનો દાવો

594

કોગ્રેસે મોટો ખુલાસો કરતા દાવો કર્યો છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર અમેઠીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે કોંગ્રેસે ગૃહપ્રધાન રાજનાથસિંહને એક પત્ર પણ લખ્યો છે.કોંગ્રેસે દાવો કર્યો છે કે અમેઠીમાં હુમલાખોરો રાહુલ ગાંધી પર સાત વખત નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આવા દાવા બાદ ચૂંટણીના વાતાવરણમાં વધુ ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અમેઠી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આ સંદર્ભે કોંગ્રેસે ૧૦મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ દેશના ગૃહમંત્રી રાજનાથ સિંઘને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસે લખ્યું છે કે, “આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. જે બાદમાં તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું. તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના માથા પર લેસર ગન તાકવામાં આવી હતી.

ખૂબ ટૂંકા ગાળામાં આવું સાત વખત કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે તેમના માથાના જમણી તરફ બે વખત ગન તાકવામાં આવી હતી. પૂર્વ સુરક્ષા અધિકારીઓએ આ વીડિયો ફૂટેજ તપાસ્યા બાદ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ લેસર લાઇટ સ્નાઇપર ગનની હોઈ શકે છે.

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “રાહુલ ગાંધીની સુરક્ષામાં આ મોટું છીંડુ છે.  આ પહેલા ગાંધી પરિવારના બે સભ્યો આતંકી તત્વોનો શિકાર બન્યા હોવાની વાત સુરક્ષામાં આ પ્રકારના છીંડા ચિંતાનો વિષ્ય છે.

પત્રની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે, “ભારતના બે પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો આતંકી તાકાતોએ ભોગ લીધો છે. ભારતના લોકો ઇન્દિરા ગાંધીની હત્યાનું કાવતરું, હુમલો અને હત્યાને ભૂલ્યા નથી. ૧૯૯૧માં સામાન્ય ચૂંટણી દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી અજેય નથી, આ વખતે કોંગ્રેસની જીત થશે : સોનિયા ગાંધી
Next articleપ્રથમ તબક્કાનું વોટિંગ પૂર્ણ, સરેરાશ ૫૩.૦૬% મતદાન