કાશ્મીર, ઉત્તરાખંડ : જુદા જુદા ક્ષેત્રોમાં ભીષણ હિમવર્ષા જારી

1536

જમ્મુકાશ્મીરના ઉંચાણવાળા પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા તેમજ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. સાથે સાથે ઠંડીમાં એકાએક તીવ્ર વધારો થયો છે. લોકોને ગરમ વસ્ત્રોમાં રહેવાની ફરજ પડી રહી છે. ઉત્તરાખંડમાં બદરીનાથ, કેદારનાથ અને યમનોત્રી અને ગંગોત્રી સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. ભારે હિમવર્ષાના કારણે પ્રવાસમાં પહોંચેલા પ્રવાસીઓને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હિમવર્ષાના કારણે આનંદ માણનાર લોકો ભારે રોમાંચિત થયેલા છે. જો કે કેટલાક લોકોને ઘર અને હોટેલોમાં રહેવાની ફરજ પડી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષા જારી રહી હતી. જેના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. હેમકુંડ સાહિબની સાથે સાથે ગઢવાલ કુમાઉ જેવા ક્ષેત્રોમાં ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાનમાં આવેલા પલટાના કારણે સ્થિતી જટિલ બની ગઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. રાજસ્થાનના અજમેર, અલવર, ભીલવાડા, જયપુર, ઝુંઝનુ, સીકર, બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, જોધપુર, નાગોર, અને શ્રી ગંગાનગરમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ સુધી ભારે હિમવર્ષા અને વરસાદ જારી રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ પહેલી ડિસેમ્બર સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી રહી શકે છે. ભારે હિમવર્ષાના કારણે લોકો સાવધાન થઇ ગયા છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં વધારે ઠંડી માટે યેલો અલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. બીજી બાજુ એકાએક ઠંડીના ચમકારાના કારણે બાળકો અને મોટી વયના લોકો જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનના સકંજામાં આવી ગયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં હવે ઠંડી ધીમે ધીમે વધી રહી છે. ખાસ કરીને રાજસ્થાનના વિવિધ ભાગો તો નીચા તાપમનમાં પહોંચી ગયા છે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુ, અજમેર, પુષ્કર, સિકર અને અન્ય વિસ્તારોમાં હવે પારો સતત ગગડી રહ્યો છે.

Previous articleસેંસેક્સમાં એફએન્ડઓ પૂર્ણાહૂતિ વચ્ચે વધુ ૧૧૦ પોઇન્ટનો ઉછાળો
Next articleએર ઇન્ડિયાના અડધા દેવાને માફ કરવા સરકાર ઇચ્છુક છે