કોરોનાનો પ્રકોપ હજુ ઘટ્યો નથી, તકેદારી રાખવા સલાહ

223

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ચેતવણી આપી : કેરલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ઘટી છે પરંતુ દેશના કુલ કોરોના કેસમાં અડધાથી વધુ એક્ટિવ કેસ કેરલમાં છે
નવી દિલ્હી , તા.૩૦
કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કેરલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ઘટી છે પરંતુ દેશના કુલ કોરોના કેસમાં અડધાથી વધુ એક્ટિવ કેસ કેરલમાં છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાણકારી આપવામાં આવી કે દેશભરમાં કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. મંત્રાલય પ્રમાણે રિકવરી રેટ વધ્યો છે. આ સમયે દેશમાં રિકવરી રેટ ૯૮ ટકા છે. પરંતુ કોરોનાથી હજુ સંપૂર્ણ મુક્તિ મળી નથી. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશના ૧૮ જિલ્લામાં હજુ પણ દર સપ્તાહે ૫થી ૧૦ ટકા કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. તહેવારોની સીઝન જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે તે ભીડવાળી જગ્યાઓ પર જવાથી બચે, શારીરિક અંતર જાળવીને રાખે અને માસ્કનો ઉપયોગ જરૂર કરે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરતા તહેવારોનો આનંદ લો. કેરલમાં હજુ પણ સૌથી વધુ કોરોના કેસ છે. કેરલમાં ૧,૪૪,૦૦૦ કોરોના કેસ છે. જે દેશમાં કોરોનાના કેસોની સંખ્યાના ૫૨ ટકા છે. મહારાષ્ટ્રમાં ૪૦ હજાર એક્ટિવ કેસ છે. તમિલનાડુમાં ૧૭ હજાર, મિઝોરમમાં ૧૬૮૦૦, કર્ણાટકમાં ૧૨ હજાર અને આંધ્ર પ્રદેશમાં ૧૧ હજાર એક્ટિવ કેસ છે. આઈસીએમઆરના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ કે, આ સમયે બિનજરૂરી યાત્રાઓ ટાળવી જોઈએ અને તહેવારોની ઉજવણી કોરોનાના પ્રોટોકોલના પાલન સાથે કરવી જોઈએ. ભૂષણે આગળ કહ્યુ કે, મહામારી હજુ ગઈ નથી. હાલના સમયે દેશમાં એવા ૪૮ જિલ્લા છે, જ્યાં પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધુ છે. ૧૮ જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ ૫થી ૧૦ ટકા છે. તેવા ૩૦ જિલ્લા છે જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. અત્યાર સુધી ૮૮ કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી ૬૪ કરોડથી વધુ પ્રથમ ડોઝ અને ૨૩.૭૦ કરોડ બીજો ડોઝ સામેલ છે. એટલું જ નહીં ૯૯ ટકા સ્વાસ્થ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.

Previous articleઅમરિન્દર અમિત શાહને મળતા ભાજપમાં જોડાવાની અટકળો
Next articleરાજસ્થાનના ૪ ધારાસભ્ય દિલ્હીમાં : અમિત શાહ સાથ આપશે તો તેમની સાથે