કોરોનાની સ્થિતિ અને તેનાં નિયંત્રણ માટે પ્રભારી સચિવ સોનલ મિશ્રાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

6

ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેનાં નિયંત્રણ માટે પ્રભારી સચિવશ્રી સોનલ મિશ્રાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ભાવનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, ઓકિસજનના નવા પ્લાન્ટ, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા,આરોગ્ય સ્ટાફ, રસીકરણની સ્થિતિ- આયોજન સહિતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રી જિલ્લા અને શહેરની સ્થિતિનો તાગ મેળવીને કોરોના નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા તાત્કાલિક અસરથી ઉભી કરવા તેમજ હયાત ક્ષમતામાં વૃદ્ધિ કરવાં માટે વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, વર્તમાનમાં અચાનક જ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને પહોંચી વળવા માટે આપણે સજ્જ રહેવાનું છે. જિલ્લામાં આ માટેની જે કોઈ વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તેને પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરી અજય દહિયા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.