યાયાવર પક્ષીઓનું મોસાળ બન્યું છે ભાવનગર હિમાલયની પેલે પારથી આવ્યા વિદેશી મહેમાનો

124

ભાવનગર જિલ્લામાં અનેકવિધ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. હિમાલયની પેલે પારથી અને સાઇબેરીયા, યુરોપ જેવા દેશોમાંથી સેંકડો કિલોમીટરનું અંતર કાપી હૂંફાળો શિયાળો ગાળવા ૨૦૦ થી વધુ પ્રજાતિના પક્ષીઓ ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યાં છે. શહેરના કુંભારવાડા, રૂવા ગામ, પૂર્ણા તળાવ અને એરપોર્ટના ખાર વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ ઉમટી પડયા છે. પેલિકન, પેઈન્ટેડ સ્ટોર્ક, લેસર ફ્લેમિંગો, ડક, કિચડિયા, અનેક પ્રકારના બગલાઓ અહીં વેટલેન્ડમાં જોવા મળે છે. વિદેશી યાયાવર પક્ષીઓનું મોસાળ ગણાતા ભાવનગરમાં શિયાળાની શરૂઆત થતા જ શહેરની આજુ બાજુના વેટલેન્ડમા વિદેશી પક્ષીઓનૉ મેળાવડો થવા લાગે છે. અહીં લગભગ ૨૦૦ થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. આવો જ સુંદર મેળાવડો ભાવનગર એરપોર્ટ પાસે તેમજ કુંભારવાડાના વેટલેન્ડ પર પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ કરતા ભાવનગર જિલ્લાનું વાતાવરણ પક્ષીઓ માટે અનુકૂળતા પૂરી પાડે છે, વેટલેન્ડ પક્ષીઓથી ઉભરાતા જિલ્લાના અનેક પક્ષીપ્રેમીઓ આને જોવા અને અભ્યાસ માટે આવા વેટલેન્ડની મુલાકાત લઈ રહ્યા છે.પક્ષીઓમાં માનવી કરતા અલગ પ્રકારની રચના જોવા મળે છે, જેના કારણે તેઓ લાંબી ઉડાન ભરી શકે છે. યુરોપીય દેશોમાં કાતિલ ઠંડીથી બચવા તેઓ ભારત તરફ પ્રયાણ કરે છે. જેમાં સૌથી સારું અનુકૂળ વાતાવરણ ધરાવતા રાજ્ય અને જિલ્લાઓમાં તેઓ ઉતરાણ કરી હૂંફાળો શિયાળો વિતાવી ફરી પોતાના વતનની વાટ પકડી લેતા હોય છે. ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પીલગાર્ડન, મહિલાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારના મહાકાય વૃક્ષો પર પેઈન્ટેડ સ્ટોર્ક પક્ષીઓની મોટી વસાહત આવેલી છે, આ પક્ષીઓ વૃક્ષો પર પોતાનો માળો બનાવે છે. અહી માળા બનાવી તેમાં ઈંડા મૂકી સેવન કરે છે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે. વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ તેમજ સ્થાનિક પક્ષીઓને નિહાળવા પક્ષી પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમજ તેના પર સંશોધન કરવા પણ અનેક લોકો જોડાય છે. ભાવનગર શહેરની મધ્યમાં આ તમામ પક્ષીઓ વસવાટ કરતા હોય જે સામાન્ય રીતે અન્ય શહેરોમાં જોવા મળતું નથી. જેથી તેના યોગ્ય જતન અંગેની ભાવનગર વાસીઓની નૈતિક જવાબદારી બને છે. તેમજ આ સ્થળને વધુ વિકસિત કરવું જોઈએ તેવું પણ તજજ્ઞ કહી રહ્યા છે.