વધતા જતા કોરોના સંક્રમણને લીધે ભાવનગરની વી.સી.લોઢાવાળા હોસ્પિટલે કોવિડ સારવાર અને તપાસ માટે ફ્રી ઓપીડી શરૂ કરી

117

વધતા જતા કોરોના કેસોને કારણે સંસ્થાએ નિર્ણય કર્યો
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ પથિકાશ્રમ પાસે આવેલી વી.સી.લોઢાવાળા હોસ્પિટલ છેલ્લા 45 વર્ષોથી વિનામૂલ્યે સારવાર કરતી સંસ્થા છે. તેમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ખુબ જ વધતા કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હતું. જ્યાં અનેક દર્દીઓને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મળતી સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવી હતી. જેથી આ વખતે પણ વી.સી.લોઢાવાળા હોસ્પિટલે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતાં કોવિડ માટે ફ્રી ઓપીડી શરૂ કરી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં દિન-પ્રતિદીન વધતા જતા કોવિડ-19નાં પોઝીટીવ કેસોથી તંત્ર પણ ચિંતીત બન્યું છે અને સંભવત આવનારા નવા કેસો માટેની આગોતરી વ્યવસ્થામાં લાગી ગયું છે. હાલ કોરોના મહામારીના સમયમાં ભાવનગર શહેર અને જિલ્લાનાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સર.ટી. હોસ્પિટલે આગવું આયોજન કર્યું છે. જેના માટે વિવિધ સંસ્થાઓ પણ સહયોગ કરી રહી છે, જેના ભાગરૂપે વી.સી.લોઢાવાળા હોસ્પિટલે ફ્રી ઓપીડી શરૂ કરી છે. આ અંગે સર ટી હોસ્પિટલના કોરોના વોર્ડના અનુભવી ડો.શિખાબેન સચદેવે જણાવ્યું હતું કે, કોરોનાના લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, ગાળામાં દુ:ખાવો, શરીરમાં દુઃખાવો, જીણો તાવ વગેરે લક્ષણો જણાય તો અચૂક દવા લેવી. હાલમાં અત્યારે વી.સી.લોઢાવાળા હોસ્પિટલ દ્વારા ફ્રી કોવિડ તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે. ડો. સુનિલ મેહતાએ જણાવ્યું હતું કે, વી.સી.લોઢાવાળા હોસ્પિટલ એ ઘણા વર્ષોથી વિનામૂલ્યે અને રાહત દરે કાર્ય કરતી સંસ્થા છે. કાન-નાક-ગળાના વિભાગ હોય, આંખ વિભાગ હોય, ગાયનેક વિભાગ હોય વર્ષોથી કોઈપણ સારવાર વિનામુલ્યે રાહત દરે પુરી પાડતી સંસ્થા છે. હાલમાં કોરોના મહામારીના સમયમાં સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓ.પી.ડી ચાલુ કરાઈ છે. સંભવિત કોરોનાના દર્દીઓને પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આર.ટી.પી.સી.આરનો ભાવ પ્રાઈવેટ સંસ્થામાં વધારે છે, ત્યારે અમે 200 રૂપિયાના ટોકન દરે કરી આપીએ છીએ. અત્યારે દરરોજના 50થી 100 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. અમારી સંસ્થાએ આ રોગથી લોકોને રક્ષણ મળે અને આ મહામારીમાંથી લોકો બહાર નીકળે એ ઉદ્દેશથી જ ફ્રી ઓ.પી.ડી સેવા કાર્યરત કરી છે. તો ભાવનગરની જાહેર જનતા આ કોરોનાની સારવાર અને તપાસનો મહત્તમ લોકો લાભ લે તેવો એમનો આશય છે.

Previous articleભાવનગર શહેર-જિલ્લામાં કાલે બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી કરાશે
Next articleશહેરમાં પ્લાસ્ટિક ડ્રાઈવ ટીમ અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ