દારૂની મહેફીલ પર છાપો મારવા ગયેલી પોલીસ પર હુમલો

212

ગારિયાધારના શિવેન્દ્રનગર (વદર) ગામે બનેલા બનાવથી ચકચાર : લોખંડના પાઈપ, કુહાડી, ધારિયા લઈને આવેલા શખ્સોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી પકડાયેલા ૧૧ આરોપીને છોડાવી ટ્રેક્ટર અને કારમાં ભગાડી ગયા, એક કર્મચારીને ઈજા
ગારિયાધારના શિવેન્દ્રનગર (વદર) ગામે વાડીમાં મંડાયેલી દારૂની મહેફીલ પર ક્રાઈમ બ્રાંચની ટીમે છાપો મારતા લોખંડના પાઈપ, કુહાડી, ધારિયા લઈને આવેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. પોલીસ ઉપર થયેલા હુમલાની ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. ક્રાઈમ બ્રાંચના એક કર્મચારીને લાકડીનો ઘા ઝીંકી દેવાતા ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગારિયાધારના શિવેન્દ્રનગર (વદર) ગામની સીમમાં પ્રવીણ જાદવભાઈ કુકડિયાની વાડીમાં ગત રાત્રિના સમયે કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણીને બેઠા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબી અને ગારિયાધાર પોલીસની ટીમે દરોડો પાડયો હતો. પોલીસના આ દરોડામાં વાડીમાલિક પ્રવીણ જાદવભાઈ કુકડિયા (ઉ.વ.૩૩, રહે, શિવેન્દ્રનગર), કલ્પેશ બાબુભાઈ ગોહિલ (ઉ.વ.૪૦, રહે, ઘેટી, પાલિતાણા), વિજય ભરતભાઈ ખાખડિયા (ઉ.વ.૨૭, રહે, નોંઘણવદર), મેહુલ શંભુભાઈ કુકડિયા (ઉ.વ.૩૦, રહે, શિવેન્દ્રનગર), રાજુ હીરાભાઈ ચવાડા (ઉ.વ.૩૦, રહે, નોંઘણવદર), દિનેશ છગનભાઈ ભલાણી (ઉ.વ.૩૯, રહે, નોંઘણવદર), રૂત્વિક પરેશભાઈ કુકડિયા (ઉ.વ.૨૦, રહે, શિવેન્દ્રનગર), સંજય ગોરધનભાઈ કાકડિયા (ઉ.વ.૩૩, રહે, શિવેન્દ્રનગર), જગદીશ રમેશભાઈ જીવાણી (ઉ.વ.૩૩, વાવપ્લોટ, ગારિયાધાર), રાહુલ કમલેશભાઈ શાહ (ઉ.વ.૨૭, રહે, પરમહંસ સોસાયટી, માતાવાડી લંબે હનુમાન, સુરત), નંદલાલ જીવરાજભાઈ સવાણી (ઉ.વ.૫૦, રહે, વડિયા, તા.પાલિતાણા) સહિતના ૧૧ અસામાજિક તત્ત્વોને વિદેશી દારૂની એક લીટરની એક બોટલ, બે મોબાઈલ ફોન, રૂા.૬,૯૩,૭૨૦ની રોકડ, લેપટોપ સહિતના લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં પોલીસ સકંજામાં આવેલા શખ્સો દોડો દોડો લાકડીઓ લાવો તેમ કહીં બૂમા બૂમો કરી ભાગી છુટવાની કોશિશ કરતા પોલીસે તમામને એક રૂમના દરવાજામાં બંધ કરી દીધા હતા. ત્યારબાદ બહારથી પણ દેકારો થવા લાગતા ફરી આ શખ્સો દરવાજો ખોલી રૂમ બહાર નીકળી નાસી છુટવાના પ્રયત્ન કરતા સ્થિતિ વધુ તંગ બની હતી. એવામાં જ થોડીવારમાં વાડીમાલિક પ્રવીણનો પિતા જાદવ કુકડિયા અને તેનો કાકા શંભુ કુકડિયા તેમજ બીજા અન્ય છ અજાણ્યા શખ્સ કુહાડી, ધારિયા, લાકડી, લોખંડનો પાઈપ સહિતના પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ટ્રેક્ટરમાં આવ્યા હતા અને પોલીસ ઉપર હથિયારોથી હુમલો અને પથ્થરમારો કર્યો હતો. દરમિયાનમાં પ્રવીણ કુકડિયાએ પોલીસ કોન્સ્ટેબલ બીજલભાઈ ભગવાનભાઈને વાસાના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડયા બાદ તમામને ટ્રેક્ટર અને સ્વીફ્ટ કારમાં બેસાડી મુદ્દામાલ લઈ ભાગી ગયા હતા. પોલીસ પાર્ટી ઉપર થયેલા હુમલાની ચકચારી આ ઘટનાની જાણ થતાં જ ગારિયાધાર, મહુવા, જેસર, સિહોર સહિતના પોલીસ મથકોનો કાફલો અને અધિકારીઓના ધાડેધાડા શિવેન્દ્રનગર ગામે પહોંચી ગયા હતા. ઘટના સંદર્ભે તમામ શખ્સો સામે હુમલો, પ્રોહિ. ફરજમાં રૂકાવટ વગેરે અલગ-અલગ કલમો હેઠળ જુદી-જુદી બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેમાં ગારિયાધાર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીવાભાઈ ડાંગરે આઈપીસી ૬૬ (૧), બી, ૫૮, ૮૩, ૮૧, ૬૫ (એ) (એ), ૧૨૦ (ર) મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે ભાવનગર એલસીબીના પો.કો. બિજલભાઈ ભગવાનભાઈએ આઈપીસી ૩૪, ૧૮૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૩૫૩, ૫૦૪, ૫૦૬ (ર) અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગારિયાધાર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

Previous articleગોહિલવાડની જૂની રાજધાનીનું વિહંગમ દશ્ય
Next articleમાઘ માસે કેસુડાનુ આગમન…?