ચારા કૌભાંડમાં લાલુ યાદવને ૫ વર્ષની કેદ, ૬૦ લાખનો દંડ

70

આરજેડીના નેતા પર કાયદાનો ગાળિયો કસાયો : ૧૫મી ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવેલા ૪૧ આરોપીઓમાંથી ૩૮, જેઓ કોર્ટમાં હાજર થયા હતા
રાંચી, તા.૨૧
ચારા કૌભાંડ હેઠળ ડોરંડા કોષાગારથી રૂ. ૧૩૯.૩૫ કરોડની ઉચાપતના કેસમાં દોષિત રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ ૬૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લાલુ યાદવ ઉપરાંત આ કેસમાં ૩૮ દોષિતોને પણ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે સોમવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા સજા સંભળાવી હતી. ૧૫ ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની વિશેષ અદાલતના ન્યાયાધીશ એસકે શશીએ આ તમામને દોષિત ઠેરવ્યા અને સજા પર સુનાવણી માટે ૨૧ ફેબ્રુઆરી નક્કી કરી હતી.સીબીઆઈના વિશેષ વકીલ બીએમપી સિંહે રવિવારે જણાવ્યું હતું કે વિશેષ અદાલતે શનિવારે નિર્દેશ આપ્યો હતો કે ૧૫ ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવેલા ૪૧ આરોપીઓમાંથી ૩૮, જેઓ કોર્ટમાં હાજર થયા હતા, તેઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે અન્ય ત્રણ દોષિતો ૧૫ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થઈ શક્યા ન હતા, જેના કારણે કોર્ટે ત્રણેય વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. સિંહે કહ્યું કે સજા સંભળાવવામાં આવનાર ૩૮ દોષિતોમાંથી ૩૫ બિરસા મુંડા જેલમાં બંધ છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય ત્રણ દોષિતોને સ્વાસ્થ્યના કારણોસર રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (ઇૈંસ્જી)માં દાખલ કરવામાં આવ્યા છે. સીબીઆઈના વિશેષ વકીલે કહ્યું કે જેલ પ્રશાસને તમામ ૩૮ દોષિતોને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવાની વ્યવસ્થા કરી હતી. તેમણે કહ્યું કે લાલુ પ્રસાદ સિવાય ડૉ. કેએમ પ્રસાદ અને યશવંત સહાયની રિમ્સમાં ભરતી કરવામાં આવી છે. બિરસા મુંડા જેલના સુપ્રિટેન્ડેન્ટ હામિદ અખ્તરે જણાવ્યું હતું કે રિમ્સમાં દાખલ કરાયેલા ત્રણેય દોષિતોને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવા માટે લેપટોપની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિંહે કહ્યું કે કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ષડયંત્ર સંબંધિત કલમ ૧૨૦બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૨) હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સીબીઆઈએ કુલ ૧૭૦ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી જ્યારે ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૫ના રોજ ૧૪૮ આરોપીઓ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. ચાર અલગ-અલગ ચારા કૌભાંડના કેસમાં ચૌદ વર્ષની સજા પામેલા લાલુ પ્રસાદ યાદવ સહિત ૯૯ લોકો સામે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૨૯ જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Previous articleદેશમાં ચોમાસુ સામાન્ય રહેવા સ્કાયમેટનું અનુમાન
Next articleશિવમોગામાં સ્થિતિ પર નિયંત્રણ માટે ૧૪૪ની કલમ લાગુ કરાઈ