સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતે યુક્રેન પર હુમલાની નિંદા કરી

69

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી પરંતુ ભારત, ચીન અને યુએઈ મતદાનથી દૂર રહ્યા
નવી દિલ્હી,તા.૨૬
આખરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત માટે એ ઘડી આવી ગઈ, જ્યારે તેણે અમેરિકા અને રશિયામાંથી કોઈ એકનો સાથ આપવાનો હતો. યુક્રેન પર હુમલો કરવાને કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેના પર તમામ દેશોએ મતદાન કરવાનુ હતું. ભારતે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા તો કરી, પરંતુ મતદાનમાં ભાગ ન લીધો. ભારત માટે આ નિર્ણય ઘણો મુશ્કેલ હશે, કારણકે એક બાજુ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વાળું મિત્ર અમેરિકા છે અને બીજી તરફ વર્ષો જૂનું મિત્ર રશિયા છે. ઉલ્લેખનીય છે કે ભારતની સાથે સાથે ચીન અને યુએઈએ પણ વોટિંગમાં ભાગ નથી લીધો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ ભારત તરફથી પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે- તમામ સભ્ય દેશોએ રચનાત્મક રીતે આગળ વધવા માટે આ સિદ્ધાંતોનું સન્માન કરવાની જરૂર છે. મતભેદો અને વિવાદોના નિરાકરણ માટે વાતચીત જ એકમાત્ર રસ્તો છે, જો કે અત્યારે તે મુશ્કેલ લાગી રહ્યું છે. આ દુખની વાત છે કે કૂટનીતિનો રસ્તો છોડી દેવામાં આવ્યો છે. આપણે તેના પર પાછા ફરવાની જરૂર છે. આ તમામ કારણોસર ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, યુક્રેનની વર્તમાન સ્થિતિને કારણે ભારત પણ ચિંતિત છે. અમે આગ્રહ કરીએ છીએ કે હિંસા અને શત્રુતાનો તાત્કાલિક અંત લાવવો જોઈએ અને તે માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. માનવ જીવનની કિંમત પર ક્યારેય પણ સમાધાન ન થઈ શકે. અમે ભારતના લોકોના કલ્યાણ અને સુરક્ષા માટે પણ ચિંતિત છીએ, જેમાં યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત, ચીન અને યુએઈએ મતદાન નથી કર્યું. રશિયાએ પોતાના વિરુદ્ધના પ્રસ્તાવને નકારી દીધો છે. રશિયાએ કહ્યું કે આ પ્રસ્તાવ રશિયા વિરોધી છે. રશિયા વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર અમેરિકા, યૂકે, ફ્રાન્સ, નોર્વે, આયરલેન્ડ, અલ્બાનિયા, ગબોન, મેક્સિકો, બ્રાઝિલ, ઘાના અને કૈન્યા જેવા દેશોએ મહોર મૂકી છે. યુક્રેન પર આક્રમણના બીજા દિવસે શુક્રવારના રોજ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને યુક્રેનની મિલટ્રીને દેશની સત્તા પોતાના હાથમાં લઈ લેવા માટે જણાવ્યું હતું. રશિયાની સિક્યુરિટી કાઉન્સિલ સાથેની બેઠક બાદ પુતિને કહ્યું હતું કે, હું યુક્રેનની મિલટ્રીના સૈનિકોને ફરી એકવાર અપીલ કરું છું કે નિયો-નાઝીસ અને યુક્રેનિયમ રેડિકલ નેશનાલિસ્ટને બાળકો, પત્નીઓ અને વૃદ્ધોને ઢાલની જેમ ઉપયોગ ન કરવા દો. તમારા હાથમાં સત્તા લઈ લો, જેથી એક સમજૂતી સુધી પહોંચવાનું સરળ બની શકે. આ ઉપરાંત પુતિને કહ્યું હતું કે, યુક્રેનમાં કામ કરી રહેલાં રશિયાના કર્મચારીઓ ખુબ જ બહાદુરી, વ્યાવસાયિક અને પરાક્રમથી કામ કરી રહ્યા છે.

Previous articleરશિયા-યુક્રેન જંગનો ત્રીજો દિવસ :રશિયા અને યુક્રેને નુકસાન અંગેના દાવા કર્યા
Next articleયુક્રેનની પાસે સહયોગી દેશોમાં તૈનાત કરાશે સેના : નાટો