કીવ પર કબજા માટે રશિયાના હવાતિયાં, આક્રમક હુમલા શરૂ

71

૩ દિવસથી કીવની એન્ટ્રી પાસે રશિયાના સૈનિકો ફસાયા છે, રશિયાના રાષ્ટ્રપ્રમુખનો ગુસ્સો પણ વધી રહ્યો છે
કીવ, તા.૨૮
રશિયાની સૈનાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ તેની રાજધાની કીવ પર કબજો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે યુદ્ધનો પાંચમો દિવસ છે અને યુક્રેનને ચારે તરફથી ઘેરીને રશિયાના સૈનિકો વિવિધ શહેરોમાં ઘૂસીને કાર્યવાહી કરી રહ્યા છે. ત્રણ દિવસથી કીવની એન્ટ્રી પાસે રશિયાના સૈનિકો ફસાયા છે. આવામાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્હાદીમીર પુતિનનો ગુસ્સો પણ વધી રહ્યો છે. પુતિનની નારાજગી બાદ રશિયાની સેનાએ કીવ પર હુમલા કરવાનું શરુ કરી દીધું છે. આ હુમલાને જોતા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે આગામી ૨૪ કલાક વધારે જટીલ સાબિત થશે.યુક્રેનના વહીવટી તંત્રના લોકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ બંકરોમાં ચાલ્યા જાય. સોમવારે સવારે યુક્રેનની રાજધાનીમાં જોરદાર ધડાકા શરુ થઈ ગયા છે. આ હુમલા એવા સમયે તેજ થયા છે કે જ્યારે બેલ્લારુસના તાનાશાહ અને પુતિનના નજીકના સહયોગી એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ પશ્ચિમના દેશો પર આરોપ લગાવ્યો છે કે તેઓ રશિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહ્યા છે. લુકાશેન્કોએ ભાર આપીને કહ્યું કે રશિયા સામે અમેરિકા અને બ્રિટનના પ્રતિબંધના કારણે રશિયાનું યુક્રેનમાં હુમલાનું જોર વધ્યું છે. રશિયાની સેનાએ યુક્રેનની રાજધાની કીવને ત્રણ દિવસથી ઘેરી રાખી છે, પરંતુ અંદર ઘૂસી શકતી નથી. જ્યારે પણ કીવ તરફ રશિયાની સેના વધી છે ત્યારે યુક્રેનની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. યુક્રેનની સેના પાસે અમેરિકાની જેવલિન મિસાઈલ છે જે રશિયાની ટેંક ફુરચા ઉડાવી શકે છે. આ જ રીતે અમેરિકાએ આપેલી સ્ટિંગર મિસાઈલ રશિયાના ફાઈટર જેટ માટે કાળ સાબિત થઈ રહી છે. આટલું જ નહીં યુક્રેનની સેનાએ સ્થાનિક લોકો અને હવે કેદીઓને પણ મોટા પ્રમાણમાં હથિયાર આપ્યા છે. કહેવાય છે કે લગભગ ૨૫ હજાર રાઈફલ અને લાખો ગોળીઓ કીવના સ્થાનિક લોકોને આપવામાં આવી છે. હવે રશિયાની સેનાની લડાઈ કીવના રસ્તાઓ પર થઈ રહી છે. ગલીઓની લડાઈમાં એમને વધારે ફાયદો થાય છે કે જેઓ ત્યાંથી વાકેફ હોય. રશિયાની સેનાએ ઘૂસણખોરી કરી છે અને યુક્રેનના વળતા જવાબમાં તેમને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રશિયાએ પોતાના હથિયાર અને દારુગોળાને હજારો કિલોમીટર દૂરથી મંગાવવા પડી રહ્યા છે. તેમની ટેંકમાં ઈંધણ ખતમ થઈ રહ્યું છે.
કહેવાય છે કે, હવે રશિયાએ મોટા પ્રમાણમાં જરુરી હથિયાર કીવ મોકલ્યા છે. સેટલાઈટ તસવીરોમાં ઘણાં કિલોમીટર સુધી લાંબો કાફલો દેખાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયાએ યુક્રેનની રાજધાનીને સંપૂર્ણ રીતે ઘેરી લીધી છે. આ કારણે જ કીવ પર રશિયાની સેના ઘાતક હુમલા કરી રહી છે. આવનારા ૨૪ કલાક નિર્ણાયક સાબિત થશે.

Previous articleબાયરાક્ટર ડ્રોનથી હુમલાઓ કરીને રશિયન લડાકુ વાહનોનો નાશ કરાયો
Next articleભારતીયોને યુક્રેનથી પરત લાવવા પ્રતિ કલાકનો ૭થી ૮ લાખનો ખર્ચ