યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે ઓપરેશન ગંગા મિશન

75

ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા વધુ ૧૮૩ ભારતીય નાગરિકોને લઈને ફ્લાઇટ દિલ્હી પહોંચી હતી
નવી દિલ્હી, તા.૬
યુક્રેન-રશિયામાં આજે ૧૧માં દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ભારત સરકાર દ્વારા ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ હેઠળ આજે સવારે યુક્રેનમાં ફસાયેલા વધુ ૧૮૩ ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ફ્લાઇટ દિલ્હી પહોંચી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ યાત્રીકોનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે ઓપરેશન ગંગા મિશન હેઠળ શનિવારે વિશેષ વિમાન હંગરીની રાજધાની બુડાપેસ્ટથી રવાના થયું હતું. યુક્રેનથી ભારત પરત આવેલો એક વિદ્યાર્થી બે બિલાડીને સાથે લાવ્યો છે. વિદ્યાર્થીનું કહેવું છે કે આ બંને તેની ખાસ મિત્ર છે. એએનઆઈ સાથે વાતચીતમાં તેણે કહ્યુ કે, આ બિલાડીઓ મારી જિંદગી છે, હું તેને યુક્રેન છોડીને આવી શક્યો નહીં. વિદ્યાર્થીએ કહ્યું કે, ભારતીય દૂતાવાસે તેના પાલતૂ પશુને લાવવામાં ખુબ મદદ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેન સંકટ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસીની સમીક્ષા કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહમાં યુક્રેન સંકટ પર પીએમ મોદી અનેક બેઠક યોજી ચુક્યા છે. મહત્વનું છે કે શનિવારે યોજાયેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલની સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી યુક્રેન સંકટ પર બેઠક કરીને સતત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યાં છે. વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે, ઓપરેશન ગંગા હેઠળ ૬૩ ઉડાનોથી અત્યાર સુધી લગભગ ૧૩૩૦૦ લોકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૨૯૦૦ને લઈને ૧૫ ઉડાનો ઉતરી છે. એક બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ- છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૨૯૦૦ લોકોની સાથે ૧૫ ઉડાનો ઉતરી છે. ઓપરેશન ગંગા હેઠળ ૬૩ ઉડાનોથી અત્યાર સુધી ૧૩૩૦૦ લોકો ભારત પરત ફર્યા છે.

Previous articleવાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધશે
Next articleછત્તીસગઢની લિપિ મેશ્રામે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી લીધો