ભાવનગરમાં સિંગલ સ્ક્રીન સિનેમાનો યુગ આખરે આથમી ગયો

76

કુરબાની ફિલ્મની ટિકિટ લેવા જ્યાં એક કિલોમીટર લાંબી લાઈનો લાગતી તે વૈશાલી સિનેમાનો આખરે પડદો પડી ગયો
હવે મલ્ટિપ્લેક્સ યુગ છે અને તે પણ હવે પૂરો થઈ ઓટીટીનો સૂર્ય તપવા લાગ્યો છે ત્યારે સિંગલ સ્ક્રીન સિનેમા ભવ્ય ભૂતકાળ યાદ આવતાં જ કંઈક યાદો તાજી થઈ જાય. ભાવનગર શહેરમાં એક સમયે ૧૦ સિનેમા એટલે કે થિયેટર્સ ધમધમતા હતા. આ ૧૦ પૈકી ચાર હતું બંદર રોડ પર એકબીજાને અડીને જ આવેલા હતા. દિપક, પેલેસ, સંગમ અને વૈશાલી આ ચાર સિનેમાને કારણે આ રોડની શાંત પણ કંઈક અલગ રહેતી અને અહીં મોર્નિંગ શોથી શરૂ કરી રાતના છેલ્લા શો સુધી ધમધમાટ જોવા મળતો. સમયની સાથે એક પછી એક થિયેટર બંધ થતા ગયા અને આ ૧૦ પૈકી ભાવનગરનું છેલ્લુ સિંગલ સ્ક્રીન સિનેમા વૈશાલી ૩૧ ડીસેમ્બર ના રોજ પોતાનો છેલ્લો શો સ્ક્રીન પર રજૂ કરીને બંધ થયું છે. આ સિનેમાને ચાલુ રાખવા નાનુભાઈ દેસાણીએ સતત પ્રયત્ન કર્યા. એક સમયે ૧૩ ટુરીંગ ટોકીઝ ચલાવતા નાનુભાઈએ છેલ્લે ’પુષ્પા’ ફિલ્મ પણ અહીં વૈશાલીમાં રિલીઝ કરી દર્શકોને મનોરંજન પીરસવાનો જાળવી રાખ્યો હતો પરંતુ આધુનિક સુવિધા અને મલ્ટિપ્લેક્સના સમયમાં આખરે વૈશાલી પણ બંધ થઈ ગયું. અનેક ચડતી-પડતી, સિનેમાના ઉતર ચઢાવ, અને જિંદગીના તડકા છાયા આ વૈશાલી સિનેમાની ઓફિસમાં બેસીને જ જોયા હતા….. નાનુભાઈ વાત કરતા ગળગળા થઈ જાય છે. માત્ર નાનુભાઈ જ નહીં તેના પુત્રોએ પણ આ થિયેટરને આધુનિક બનાવી સતત અપગ્રેડ કરવામાં પુરુષાર્થ કર્યો હતો અને તેના કારણે જ છેક છેલ્લે સુધી આ એકમાત્ર થિયેટરે ટક્કર ઝીલી હતી. વૈશાલી સિનેમા કુરબાની ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ટિકિટ લેવા માટે એક કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી તો મોહબ્બતેં, પ્રેમગ્રંથ જેવી અનેક ફિલ્મો અહીં રિલીઝ થઈ હતી. થિયેટરમાં ડોલ્બી સાઉન્ડ આધુનિક લાઇટિંગ કાફેટેરિયા સહિતની સુવિધાઓ પણ સમયની સાથે લોકોને માણવા મળી હતી તો સિનેમાની બહાર ચણામઠ, બટેટા ભૂંગળા, પાપડની મજા પણ દસકાઓ સુધી ભાવનગરના સિને પ્રેમીઓએ માણી છે. આ વૈશાલી સિનેમા સાથે અનેકના સંસ્કરણો સંકળાયેલા છે. હવે જ્યારે આ સિને ગૃહ ભૂતકાળ બની ગયો છે, ખુરશીઓ હટી ગઈ છે, પડદો તૂટી ગયો છે અને ટિકિટબારી પણ હવે કાયમી બંધ થઈ ગઈ છે ત્યારે આ સંસ્મરણો જ જીવંત રહ્યા છે.

Previous articleએરફોર્સ એન.સી.સી. ભાવનગરના ત્રણેય કેડેટ્‌સની રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત, ૧ ડિસ્ચાર્જ