દરેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે : મોદી

66

પંચાયત મહાસંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ગ્રામપંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા-મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા
અમદાવાદ, તા.૧૧
વડાપ્રધાન મોદીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર મારું ગામ, મારું ગુજરાત થીમ પર યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી સ્વરૂપે દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવવા માટે ગામના આગેવાનોને અપીલ કરીને કહ્યું કે, ગુજરાતના ગામડાઓમાં અમૃત મહોત્સવનું આવું નાનકડું પણ મોટું કામ કરવું જોઈએ. દરેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય. ખેતરમાં કેમિકલ નાખવાનું બંધ કરીને ધરતી માને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદ્ભાગ્ય છે કે ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓ વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.’ તેમણે વધુમાં કહ્યું કે, આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડામાં પહોંચતા મોઢામાં ફીણ આવી ગયા. કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડામાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું. લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા. દરમિયાનમાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ અવસરથી ઓછો નથી. ગ્રામ પંચાયતોને જાહેર વહીવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઈતિહાસ રહ્યો છે. મહાત્મા ગાંધીએ ગામડાઓને સક્ષમ બનાવવા પ્રેરણા આપી હતી. વડાપ્રધાને ગામડાઓની ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. હું સરપંચો વતી તમારો આભાર વ્યક્ત કરૂં છું. હાલમાં ઈ-ગ્રામ પંચાયત કેન્દ્રો પરથી ૫૬ જેટલી સેવાઓ આપવામાં આવી રહી છે. આવકના દાખલા હવે ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો નિર્ણય લેવાયો છે. આવશ્યક ન હોય એવી સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ આપી છે. બજેટમાં ૪૦૦૦ ગામોમાં ફ્રી વાઈફાઈ સેવા આપવાનો નિર્ણય લીધો છે. ગામડાઓમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિર્માણ પામી રહી છે. વડાપ્રધાન મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. જીએમડીસી ખાતે વડાપ્રધાને પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ૫ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું. વડાપ્રધાન મોદી રાજભવન ખાતેથી જીએમડીસી ગ્રાઉન્ડ જવા માટે રવાના થયા. ત્યાં તેઓ પંચાયત મહાસંમેલનને સંબોધન કર્યું.

Previous articleયુક્રેનથી હેમખેમ પરત આવેલા છાત્રો પણ રોડ શોમાં જોડાયા
Next articleકેન્દ્રીય કર્મચારીઓનું DA ત્રણ ટકા સુધી વધી શકે છે