આ વર્ષે ફૂલ ફલેન્જમાં યોજાશે ઢેબરાં તેરસનો મેળો, છ ગાઉ યાત્રા

721

બે વર્ષ સુધી કોરોનાના કારણે છ ગાઉ યાત્રા પર પ્રતિબંધ રહયા બાદ આ વર્ષે કોઈ અવરોધ નહિ, બોર્ડની પરીક્ષાને પણ હજુ વાર હોવાથી ભવ્ય રીતે સંપન્ન થશે ઢેબરાં તેરસનો મેળો

તીર્થધામ પાલીતાણામાં શેત્રુંજીના સાનિધ્યમાં પ્રતિવર્ષ યોજાતો ઢેબરા તેરસનો મેળો દેશ ઉપરાંત વિદેશમાં પણ જાણીતો છે, કોરોનાના કારણે બે વર્ષથી નહિ થઈ શકેલ છ ગાઉ યાત્રા અને મેળો આ વર્ષે યોજી શકાશે. કોરોનાનું વિઘ્ન ટળતા જૈન યાત્રીઓમાં ઉમંગ અને ઉત્સાહ વ્યાપ્યો છે. બીજી બાજુ પાલિતાણાંમાં શેઠ આ.ક.પેઢી દ્વારા પરંપરાગત તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.
બે વર્ષ બાદ પાલિતાણામાં યાત્રિકોની રોનક ફરી જોવા મળનાર હોવાથી સ્થાનિકોમાં પણ આનંદ છે.!કોરોના કાળના બે વર્ષ દરમિયાન ભગવાનથી પણ ભક્તોને અંતર રાખવું પડ્યું તેમ યાત્રા યોજાઇ ન હતી. પરંતુ આ વર્ષે છુટછાટ મળતા યાત્રિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે ફાગણ સુદ ૧૩ના ૧૫ માર્ચના રોજ અચલગચ્છની હોય તેઓ છ ગાઉયાત્રા કરશે. તેમાં ભક્તિપાલ પણ ઉભા કરેલ હોવાનું જાણવા મળેલ છે, ૧૫ માર્ચ ચાર હજારથી પાંચ હજાર યાત્રીકો છ’ ગાઉ યાત્રા કરશે. ફાગણ સુદ ૧૩ (બીજી) તા.૧૬ માર્ચના રોજ તપાગચ્છ સહિત અનેક સમુદાયના ભાવિકો છ ગાઉ યાત્રા કરશે. જેમાં સંઘપુજન કરાશે, સિધ્ધવડ ખાતે ૧૦૦ વિવિધ ભક્તિ પાલ ઉભા કરાશે જેમાં ૬૦ હજારથી વધુ યાત્રીકો યાત્રામાં જોડાશે તેવો અંદાજ મંડાય રહ્યો છે. ચાલુ વર્ષે બોર્ડ પરીક્ષાને પણ અંતર હોય તેથી નાનાથી લઇ વૃદ્ધો સુધી છ ગાઉ યાત્રા કરી ધન્યતા અનુભવશે. મોટાભાગની ધર્મશાળા હાઉસફુલ થઇ જવા પામી છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે તેવું સિનિયર મેનેજર મનુભાઇ શાહએ જણાવ્યું હતું.
શેત્રુંજય ડુંગર પર પાણીના પાઉચ, તમાકુ, ગુટખા નહીં લઇ જવાય
પાલીતાણા શહેરમાં આગામી તા.૧૫/૦૩ તથા તા.૧૬/૦૩ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયો મેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોવાથી કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉચ,બોટલો, તમાકુ, પાન-મસાલા, ગુટકા જેવી ઘણી ચીજ વસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય, તેનુ નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા ખાતે યોજાનાર જૈન સમાજના ઢેબરીયો મેળા દરમ્યાન મેળાથી છ ગાઉના માર્ગોની આજુબાજુ પાલીતાણા તળેટી, પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ તેમજ આદપુર ગામના વિસ્તારમાં તા.૧૫.૧૬દિન – ર સુધી કોઇએ કચરો નાખવો નહીં, પાણીનાં પાઉચ, દુધના પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ નાખવી નહી તેમજ બીડી-સીગારેટ, પાન-મસાલા, ગુટકા, તમાકુનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે

Previous articleરેલવેએ જે ડબો લાગવાનો ન હતો તેનું બુકીંગ કરી નાખ્યું, ૪ કર્મીઓ સસ્પેન્ડ
Next articleઅભિનેત્રી કંગના રનૌતે પ્રભાસને કહી હતી ગુપ્ત વાત