૧૦૦થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યા, જીવનનું મુલ્ય નથી

206

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું ભાવુક સંબોધન : ઝેલેન્સ્કી રશિયા સીઝફાયર સમજૂતીના બદલામાં રાષ્ટ્રપ્રમુખ પદ છોડવાની શરત મૂકશે તો તે નહીં સ્વીકારે
કીવ, તા.૧૭
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જ અવારનવાર ત્રીજું વિશ્વ યુદ્ધ શબ્દ સંભળાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન પણ આ પહેલા કહી ચૂક્યા છે કે જો આ યુદ્ધમાં નાટો સામેલ થશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. રશિયાના વિદેશ મંત્રીએ પણ કહ્યુ હતું કે, જો ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવશે. અને હવે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ પણ કહ્યું કે ત્રીજા વિશ્વયુદ્ધની શરુઆત થઈ ગઈ છે. અમેરિકન કોંગ્રેસને આપેલા પોતાના ભાવુક સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, તે સેંકડો બાળકો પર રશિયન આર્મી દ્વારા કરવામાં આવેલા હુમલાને જોઈને નિરાશ થઈ ગયા છે. ઝેલેન્સ્કીએ બુધવારના રોજ કહ્યું કે, રશિયાએ કદાચ ત્રીજા વિશ્વ યુદ્ધની શરુઆત કરી દીધી છે. ડેલીમેઈલના રિપોર્ટ અનુસાર ઝેલેન્સ્કીએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, શું વિશ્વ યુદ્ધ શરુ થઈ ગયું છે? કોઈ નથી જાણતું, અને જો યુક્રેન આ યુદ્ધમાં હારી જશે તો આ યુદ્ધમાં આગળ શું થશે?
આનો ઉત્તર ઘણો મુશ્કેલ છે. ૮૦ વર્ષ પહેલા આપણે આ જોઈ ચૂક્યા છીએ, જ્યારે બીજું વિશ્વ યુદ્ધ શરુ થઈ ગયુ હતું અને કોઈ તેના વિશે ભવિષ્ણવાણી નહોતું કરી શક્યું.
ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, જો રશિયા સીઝફાયર સમજૂતીના બદલામાં રાષ્ટ્રપ્રમુખ પદ છોડવાની શરત મૂકશે તો તે નહીં સ્વીકારે. અમેરિકન સંસદના સંબોધનમાં ઝેલેન્સ્કીએ જો બાઈડનને વર્લ્‌ડ લીડર બનવાની સલાહ આપી અને રશિયાને રોકવા માટે વધારે પ્રતિબંધો સાથે લડાકુ વિમાનોની માંગ કરી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું કે, હું લગભગ ૪૫ વર્ષનો છું. આજે જ્યારે ૧૦૦થી વધારે બાળકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે મને લાગે છે કે જીવનનું કોઈ મૂલ્ય જ નથી. હું રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનને કહેવા માંગીશ કે તમે એક મહાન દેશના નેતા છો. હું ઈચ્છુ છું કે તમે દુનિયાના નેતા બનો. શાંતિના નેતા બનો. ઝેલેન્સ્કીએ રશિયા વિરુદ્ધ યુક્રેનની લડાઈમાં અમેરિકન સાંસદો પાસેથી વધારે મદદની અપીલ કરતાં પર્લ હાર્બર અને ૯-૧૧ના હુમલાનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે, હવે અમને તમારી વધારે મદદની જરૂર છે.

Previous articleઈઝરાયલમાં કોરોના વાયરસનો ખતરનાક નવો વેરિયન્ટ મળ્યો
Next articleસેન્સેક્સમાં બીજા દિવસે ૧૦૦૦ પોઈન્ટથી વધુનો ઊછાળો આવ્યો