સેન્સેક્સમાં બીજા દિવસે ૧૦૦૦ પોઈન્ટથી વધુનો ઊછાળો આવ્યો

79

શેરબજારની તેજીએ રોકાણકારોની હોળી રંગીન બનાવી : સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં ૧૦૪૭, નિફ્ટીમાં ૩૧૧ પોઈન્ટનો ઊછાળો
મુંબઈ, તા.૧૭
શેરબજારમાં આવેલી તેજીએ રોકાણકારોની હોળીને વધુ રંગીન બનાવી દીધી હતી. બીએસઈ સેન્સેક્સ સતત બે દિવસથી ૧૦૦૦ પોઈન્ટની ઉપર બંધ થઈ રહ્યો છે. જેના કારણે આ બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ૯ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે સેન્સેક્સ ૧૦૪૭ પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં હોળી જોવા મળી હતી. હોલિકા દહનના દિવસે બજારના બંને ઇન્ડેક્સ લીલા નિશાન પર ખૂલ્યા હતા અને દિવસભરના ઉછાળા સાથે ટ્રેડ કર્યા બાદ અંતે મજબૂત મોમેન્ટમ સાથે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૦૪૭ પોઈન્ટ અથવા ૧.૮૪ ટકાના ઉછાળા સાથે ૫૭,૮૬૪ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૧૧ પોઈન્ટ અથવા ૧.૯૦ ટકાના ઉછાળા સાથે ૧૭,૨૮૭ પર બંધ થયો હતો. બીએસઈ સેન્સેક્સ ૮૨૦ પોઈન્ટ અથવા ૧.૪૪ ટકા વધીને ૫૭,૬૩૬ પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૨૨૮ પોઈન્ટ અથવા ૧.૩૪ ટકાના ઉછાળા સાથે ૧૭૨૦૩ પર ખુલ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શેરબજારમાં સતત બે દિવસથી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ બે દિવસથી ૧૦૦૦ પોઈન્ટથી વધુના ઉછાળો સાથે બંધ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સેન્સેક્સ ૧૦૩૯ પોઈન્ટ અથવા ૧.૮૬ ટકાના વધારા સાથે ૫૬,૮૧૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૩૧૨ પોઈન્ટ અથવા ૧.૮૭ ટકાના વધારા સાથે ૧૬,૯૭૫ પર બંધ થયો હતો. ગુરુવારે, સેન્સેક્સમાં સમાવિષ્ટ શેર્સે લીલા નિશાન પર વેપાર કરવાનું ચાલુ રાખ્યું. સૌથી વધુ ફાયદો બેંકિંગ શેરોમાં જોવા મળી રહ્યો છે. આ સાથે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં પણ વધારો જોવા મળ્યો હતો. તે રૂ. ૨૬૦ લાખ કરોડને પાર કરી ગયો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે તે રૂ. ૨૫૬ લાખ કરોડ હતો. એટલે કે આજની તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫ લાખ કરોડનો વધારો થયો છે. માત્ર બે દિવસમાં માર્કેટ કેપમાં રૂ. ૯ લાખ કરોડનો વધારો થયો છે. આજે વધી રહેલા મુખ્ય શેરોમાં એચડીએફસી, એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એડીએફસી બેન્ક, એશિયન પેઈન્ટ્‌સ, કોટક બેન્ક, આઈસીઆઈસીઆ બેન્ક ૨ થી ૩ ટકા સુધીના વધારા સાથે છે. આની સાથે એસબીઆઈ, ઈન્ડસલેન્ડ બેન્ક, હિંદુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ, ટાઈટન, વિપ્રો, ટાટા સ્ટીલ, મારૂતિ, લાર્સન એન્ડ ટૂબ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

Previous article૧૦૦થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યા, જીવનનું મુલ્ય નથી
Next articleબે વર્ષનો હિસાબ સરભર કર્યો યુવાવર્ગે મનભરીને માણ્યો રંગોત્સવ