અસંભવ સંભવ થાય છે :- ચિંતન પટેલ (વચનામૃત : જીવન માર્ગદર્શક )

205

મનોબળ એટલે કોઈપણ વ્યક્તિની માનસિક મજબૂત અને સ્થિર વિચારધારા !જેના આધારે એ કોઈપણ ક્રિયા પૂર્ણતાથી કરવા સમર્થ થાય છે. પરિણામે તે સૌથી સફળ વ્યક્તિ બને છે. પ્રત્યેક મનુષ્ય આ પૃથ્વીપર સફળતા મેળવવા ઇચ્છે છે અને જીવનને ઉન્નત બનાવવા પ્રયત્ન પણ કરે છે. પરંતુ તે માટે ડગલે ને પગલે મહત્ત્વના નિર્ણયો લેવા પડે છે. તે નિર્ણય પાછળ સવળો અને દૃઢ મનોબળ હોય તો તે અપાર આત્મવિશ્વાસ પ્રગટાવે છે અને માણસને સફળતાના શિખરે પહોંચાડે છે. નબળા મનોબળ દ્વારા લેવાતા નિર્ણયો વ્યક્તિને અધોગતિના અંધકારમાં ધકેલી દે છે.
ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ શારીરિક રૂપે અસક્ષમ થઈ જાય છે.ત્યારે તેને જીવનમાં પ્રગતિ પામવા માટે એક દૃઢ અને અડગ મનોબળ સિવાય કોઈ સાધન અથવા વિકલ્પ રહેતો નથી. અરુણીમાં સિંહા પણ એવા દૃઢ મનોબળનું એક ઉદાહરણ છે.ભારતની રાષ્ટ્રીય વોલીબોલ ટીમમાં ખેલાડી રહેલી અરુણીમા સિંહાને એક અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવવો પડ્યો. ત્યારે તેની પાસે બે વિકલ્પ હતા. આજીવન પથારી અથવા વિહ્લચેરપર રડતાં-રડતાં પડ્યું રહેવું અથવા કંઈક એવું કરી બતાવવું, જેથી આ દુનિયા માટે તે એક ઉદાહરણ બની જાય. તેને બીજો વિકલ્પ પસંદ કર્યો અને વિશ્વનું સૌથી ઊંચુંપર્વત માઉન્ટએવરેસ્ટ ભાંગેલા પગે સર કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય લઈ એવરેસ્ટ ચડવા માર્ગદર્શન લેવા તેઓ બચેન્દ્રી પાલ પાસે ગયા ત્યારે બચેન્દ્રી પાલે જવાબ આપ્યો, “એવરેસ્ટ તો તમે સર કરી ચૂક્યા.હવે તો ખાલી દુનિયાને તારીખ જણાવવાની વાર છે.”‘માત્ર દૃઢ મનોબળ કોઇપણ કામને અડધું પૂરું કરી દે છે.’ એ આપણને અરુણીમા સિંહાએ સમજાવી દીધું. અરુણીમા સિંહાએ એવરેસ્ટ સર કરી પણ બતાવ્યો. આમ, આ એવરેસ્ટ અરુણીમા સિંહાએ શારીરિક સક્ષમતાથી નહિ પણ માનસિક દૃઢતા વડે સર કરી બતાવ્યો.
લંડનમાં ચાલતી ટ્રેનમાંથી રંગભેદની નીતિ અપનાવીને મોહનદાસ કરમચંદ ગાંધીને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા ત્યારે તેમને મનમાં નક્કી કરી લીધું કે, “જે અંગ્રેજોએ મને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો છે, તેમનો પાયો હું મારા દેશમાંથી ઉખાડી નાંખીશ.” અને આમ એક દૃઢ મનોબળ દ્વારા સધાયેલ એક ચોક્કસ ધ્યેયે મોહનદાસ કરમચંદ ગાંધી ‘મહાત્મા ગાંધી’ બન્યા. અને આ મનોબળ સાથે મહાત્મા ગાંધી જીવનના છેલા શ્વાસ સુધી જીવ્યા અને અંગ્રેજોનો પાયો દેશમાંથી ઉખાડી ભારત દેશને સ્વતંત્ર બનાવ્યો. આજે આપણે જે સ્વતંત્રતાની હવા માણી રહ્યા છીએ એ પણ એક દૃઢ મનોબળનું જ પરિણામ છે.
સમાજમાં એવા વ્યક્તિઓ વિશેપણ આપણે સાંભળ્યું હશે કે જેમની પાસે રહેવા-ખાવા-પીવા-સુવાની સુવિધા સારામાં સારી હોય, શારીરિક રીતે પૂર્ણ સક્ષમ હોય, આર્થિક રીતે પણ સક્ષમ હોય, છતાં મનોબળ નબળું હોય અને અંતે પરિણામ પણ સંતોષકારક ન મેળવી શક્યા હોય. તો બીજી બાજુ એવી પણ વ્યક્તિઓ વિશે આપણે સાંભળ્યું અથવા વાંચ્યું હશે કે જેમની પાસે આમાંનું કશું જ ન હોય છતાં જીવનમાં પોતાના મનોબળના આધારે પ્રગતિના પથ પર પુરપાટ ગતિએ દોડતા હોય. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પણ અ સંસ્થાની સ્થાપના ખૂબ જ વિષમ પરિસ્થિતિઓની વચ્ચે કરી હતી. આર્થિક ભીંસ તો ચોવીસ કલાક તલવારની પેઠે માથે જ લટકતી હોય. માણસોનો સમુદાય પણ એટલો વિશાળ નહોતો. પણ કેવળ પોતાના દૃઢ મનોબળ વડે અને ભગવાનમાં શ્રદ્ધાના બળથી તેમણે આ સંસ્થાની સ્થાપના કરી અને પાંચ ગગનચુંબી મંદિરો પણ બનાવ્યાં!
જીવનમાં ઉન્નતિના આકાશમાં ઉડવું કે અસફળતાના સમુદ્રમાં ડૂબવું એ કોઈ પરિસ્થિતિ, અન્ય વ્યક્તિ અથવા કોઈ પદાર્થના હાથમાં નથી. એ કેવળ અને કેવળ આપણા જ હાથમાં છે. આપણા મનોબળ અને દૃષ્ટિકોણ પર તેનો સંપૂર્ણ આધાર રહેલો છે.દૃઢ મનોબળ ઘૂંટાવતાં ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૩૩માં કહે છે“મનુષ્યદેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે.”
આગળ વાક્યમાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે, ‘મનુષ્ય જે ધારે તે કરી શકે છે,’
મહંતસ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે “માણસ મનથી મક્કમ હોય તો અસાધારણ કાર્ય પણ પળવારમાં કરી બેસે. તપ કરવા માટે કેવળ મજબૂત શરીર નહિ પરંતુ દૃઢ મનોબળ જોઈએ. જેનું મન મજબૂત હોય તેથી તપ પણ વિશેષ થાય છે. માટે સવળા વિચારથી મંડી પડવું.”
તો ચાલો આપણે પણ સવળા વિચાર સાથે અસંભવને સંભવ કરીએ.

Previous articleસીએસકેનો બ્રાવો આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
Next articleજે દેશમાં પતિ પત્ની દ્વારા પ્રતાડિત હોય તે દેશ હેપી ઇન્ડેકસમાં ટોપ કેવી રીતે કરી શકે??