ઘોઘા ખાતે ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા બે મહાપુરુષોના ત્યાગ-બલિદાનની પૂજા કરાઈ

72

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 57મી તેમજ મોખડાજી ગોહિલની 675 મી નિર્વાણ દિનની વિશિષ્ટ ઉજવણીગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ એકમના રોજ ભાવનગરનાં ઘોઘા ખાતે ગોહિલવાડ વંશના આદી વંશજો વિર પુરુષ મોખડાજી ગોહિલ તથા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ ગોહિલવાડ માટે કરેલા ત્યાગ અને વિર પુરુષ મોખડાજી ગોહિલે જે વિરતા ભર્યું બલીદાન આપ્યું હતું તે પાસાને ઉજાગર કરતો કાર્યક્રમ ઘોઘા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ઘોઘા ખાતે ત્યાગ-બલિદાનની પૂજા કરવામાં આવી હતી. ચૈત્ર સુદ એકમના રોજ ગોહિલવાડ સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 57 મી નિર્વાણ તિથિ તથા મોખડાજી ગોહિલની 675 મી નિર્વાણ તિથિની સૌપ્રથમ વાર ગોહિલવાડ રાજપુત સમાજ દ્વારા ઘોઘા ખાતે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આ બંને મહાનુભાવોને રાજપુત સમાજના લોકો દ્વારા ભાવાંજલિ આપવામાં આવી હતી. એ સાથે ત્યાગ-બલિદાનનની પૂજા કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય અપર્ણ કરનારા કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. આ કાર્યક્રમમાં ગોહિલ વંશનાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત રાજપૂત સમાજના મુખ્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલ દ્વારા ખેડૂતો પ્રત્યે સંવેદના દર્શાવી સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે સરકારે ખાતરના ભાવ પર અંકુશ લગાવવો જોઈએ, કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા ક્રૂડનો ભાવ આજના ભાવ કરતાં પણ વધુ હતો તેમ છતાં કોંગ્રેસની સરકારે ટેક્સ ઘટાડી સબસીડી આપતી હતી. જેથી ભાવમાં ઘટાડો જોવા મળતો હતો. જેથી અત્યારે સરકારે સબસિડી વધારવી જોઈએ અને ખેડૂતો ઉપર ભાવ વધારી બોજ ન લગાવવો જોઈએ. વધુમાં જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષમાં ભાજપના શાસનમાં કાચા ક્રૂડ 60 યુએસ ડોલરથી 65 યુએસ ડોલર રહ્યું છે, જ્યારે કોંગ્રેસની સરકારમાં બેરલનો ભાવ 100 અમેરિકન ડોલર હતો છતાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચવા દીધો ન હતો. વનરક્ષકની પરીક્ષા અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સામાન્ય વર્ગનો બાળક ખૂબ મહેનત કરતો હોય છે, પરીક્ષામાં અન્યાય થાય અને કોઈ મોટા માથાઓ સંડોવાયેલા હોય તેમજ લાખો રૂપિયામાં પેપર બહાર વેચાયા છે, તલાટી કમ મંત્રી કોંભાડથી લઈને એક પછી એક પરીક્ષામાં શંકાની સોય છે તે ભાજપના નેતાઓની સાથે જોડાયેલા લોકો તરફ જાય છે, સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ. નરેશ પટેલને લઈને શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે, તે મારા સારા મિત્ર છે, સારા લોકો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં નેક નામદાર યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજુ રાણા, ભાજપ-કોંગ્રેસના આગેવાનો તથા ક્ષત્રિય સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે દાદાને દિવ્ય ફુલોનો શણગાર એવં મારૂતિયજ્ઞ આયોજન
Next articleભાવનગરની સંસ્કાર ભારતી સંસ્થાએ તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે નવવર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરી