ડેપો દૂર હોઈ પરભણીમાં પેટ્રોલના ભાવ દેશમાં સૌથી વધુ ૧૨૨.૬૩ રૂપિયા

49

દેશમાં રોજે રોજ વધતા પેટ્રોલ-ડિઝલનાં ભાવ : યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખીને બંને ઇંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે
નવી દિલ્હી,તા.૫
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. આ બંને ફ્યુઅલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા તે વાત તો જૂની થઈ ગઈ. ભારતના કેટલાક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ચોંકી જવાય તેટલા વધી ગયા છે તેમાંથી એક શહેરમાં તો એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. ૧૨૨ થઈ ગયો છે. મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ૮૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે બે અઠવાડિયાની અંદર લિટર દીઠ કુલ રૂ. ૯.૨૦નો ભાવવધારો કરાયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આપેલા આંકડા પ્રમાણે મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ રૂ. ૧૨૨.૬૩ પ્રતિ લિટરના ભાવે વેચાય છે. જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૧૦૫.૨૧ થયો છે. સમગ્ર દેશમાં અહીં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સૌથી વધુ છે. તેવી જ રીતે રાજસ્થાનના ગંગાનગરમાં પણ ઇંધણના ભાવ સૌથી ઉંચા હોય છે. આજે અહીં પેટ્રોલનો ભાવ રૂ. ૧૨૨.૦૫ થયો હતો જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૧૦૪.૫૩ ચાલે છે. આખા દેશમાં સૌથી મોંઘું ડીઝલ આંધ્ર પ્રદેશના ચિતૂરમાં વેચાય છે. મંગળવારે અહીં ડીઝલનો ભાવ લિટર દીઠ રૂ. ૧૦૬.૮૪ હતો. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ મનમાડ ડેપોમાંથી મગાવવામાં આવે છે જે અહીંથી લગભગ ૩૪૦ કિલોમીટર દૂર છે. એક પેટ્રોલપંપના માલિકે કહ્યું છે કે અમે ઔરંગાબાદમાં ડેપો બનાવવામાં આવે તેવી માંગણી કરી છે. જો નજીકમાં પેટ્રોલ ડેપો બની જાય તો તેના ભાવમાં લિટરે બે રૂપિયાનો ઘટાડો થઈ શકે. તેમના માનવા પ્રમાણે પેટ્રોલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો લોકોને સૌથી વધુ ફાયદો થઈ શકે તેમ છે. હાલમાં નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૪.૬૧ અને ડીઝલનો ભાવ રૂ. ૯૫.૮૭ છે જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૯.૬૭ અને ડીઝલનો ભાવ રૂ. ૧૦૩.૯૨ ચાલે છે. ગયા વર્ષે ચૂંટણીના કારણે ૪ નવેમ્બર પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સાવ અટકાવી દેવાયો હતો. આ સ્થિતિ છેક ૨૨ માર્ચ સુધી ચાલી હતી. ત્યાર પછી યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખીને બંને ઇંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે પરિવહનનો ખર્ચ વધી ગયો છે અને તેની અસર ફુગાવા પર પડી છે.

Previous articleજો હુમલો થશે તો પરમાણુ હથિયારોથી જવાબ આપીશું
Next articleરવનીત સિંહ બિટ્ટુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી