ભાવનગરના ભાલ પંથકમાં દોઢ મહિનાથી પીવાનું પાણી લો-પ્રેશરથી આવતા ગ્રામજનો પરેશાન, હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી

81

અધેળાઈ, બાવળીયારી, જશવંતપુરા સહિતના ગામમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે
ભાવનગરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. જિલ્લાના અધેળાઈ, બાવળીયારી, જશવંતપુરા સહિતના ગામમાં દોઢ મહિનાથી પીવાનું પાણી લો-પ્રેશરથી મળી રહ્યું હોવાથી ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાવનગરના ભાલ પંથકમાં ફરી એકવાર પાણીનો દુષ્કાળ શરૂ થયો છે. મહિલાઓ પીવાનાં પાણી માટે દૂર-દૂર સુધી વલખા મારી રહી છે ત્યારે આગામી દિવસોમાં પૂરતું પાણી વિતરણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભાલ પંથકમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઇનો ગામ-ગામ સુધી પહોંચાડવામાં આવી છે, તેમ છતાં ગ્રામજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

વલભીપુર પાણી પુરવઠા દ્વારા માલપરા સમ્પથી ભાલ પંથકના અધેળાય, જશવંતપુરા, બાવળીયારી, કોટડા, ગણેશગઢ સહિતના ગામોમાં પીવાનાં પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ વલભીપુર પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારીના કારણે ભાલ પંથકમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે, અનિયમિત પુરવઠો અને લો પ્રેશરથી છેલ્લા દોઢ મહિનાથી પાણી આપવામાં આવી રહ્યું છે જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. વલભીપુર પાણી પુરવઠા દ્વારા માલપરા સંપમાંથી અનિયમિત પણે ભાલના ગામોમાં પાણી આપવામાં આવી રહ્યું છે, તેની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી નહિવત પાણી મળી રહ્યું હોવાથી ગ્રામજનો દ્વારા અનેકવાર ઉચ્ચકક્ષાઓ સુધી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે ગ્રામજનોને જો પાણીની સમસ્યાનો હલ નહીં કરવામા આવે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેમ અધેળાઈના સરપંચ વિપુલ દુમદિયાએ જણાવ્યું હતું.
ભાવનગરના ધારાસભ્ય પરસોતમ સોલંકીના મત વિસ્તારમાં આવતા ભાલના ગામોમાં દર વર્ષે પીવાના પાણીની પારાયણ હોય છે, દર વર્ષે ગ્રામજનોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થતી હોય છે. જેને લઈ કલેક્ટર અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે અને તેની મુલાકાત પણ લઇ આશ્વાસન આપી સમસ્યાનો હલ થઈ જશે તેવું જણાવી ગ્રામજનોને બાંહેધરી આપી હતી, પરંતુ તેને પણ પંદર દિવસ થયા હોવા છતાં પણ પરિસ્થિતિ એની એ જ છે. આધેળાઈ ગામના લોકો માલ ઢોર દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ માલ ઢોરને પણ પીવાના પાણીની તંગી સર્જાઇ છે સાથે મહિલાઓ અને શાળાઓ જતી બાળકીઓ એક પાણીની હેલ માટે પડાપડી કરી રહી છે, સરકાર દ્વારા ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીની કાયમી સમાધાન લાવવું ખુબજ જરૂરી બન્યું છે.

Previous articleદશાપાલીવાલ બ્રહ્મસમાજ આયોજિત ,શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે 213 બટુકો એ યજ્ઞોપવિત ધારણ કરી
Next articleભાવનગરમાં સરકારી તબીબોએ હડતાળના ચોથા દિવસે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો