મિટતી નહીં હસ્તી હમારી :- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )

57

સમયના વહેણ સાથે ગ્રીક સંસ્કૃતિ વિલીન થઈ ગઈ. ટાઈગ્રિસ અને યુક્રેટિસ નદીના પટ વચ્ચે વિકસેલી બેબીલોનિયન, ખાલ્ડિયન જેવી કંઈક સંસ્કૃતિઓ એ નદીની રેતમાં જ સમાઈ ગઈ. ઈજિપ્તની સંસ્કૃતિ તેના પિરામિડોમાં સમાઈ ગઈ. સમગ્ર વિશ્વમાં જેની ધાક વાગતી એ રોમન સંસ્કૃતિ તેનાં ભવ્ય મહાલયોના ભગ્ન અવશેષોમાં રહી ગઈ. જ્યારે ભારતીય સંસ્કૃતિનો સૂર્ય સાંપ્રત સમયે પણ મધ્યાહ્ને તપે છે. તેનાં મૂળમાં કોઈ એકમાત્ર કારણ હોય તો એ છે પરંપરા ! જી હા, ઋષિ પરંપરા, મંદિર-શાસ્ત્ર-સંત પરંપરા, વિધિ-વિધાનની પરંપરા, યજ્ઞ પરંપરાના આધારસ્તંભ પર ટકી છે ભારતીય સંસ્કૃતિ.
પરંતુ આજના ભૌતિકયુગનું પાણી પીને મોટી થયેલી યુવા પેઢીને કંઈક પરિવર્તન જોઈએ છે. એટલે જ આપણે બુદ્ધિજીવી વિચારકોના ક્રાંતિકારી વિચારોની અને આધુનિકતાની ઓથ લઈને પરંપરાને અભરાઈ પર ચઢાવી દીધી છે. ભરદ્વાજ, ગૌતમ, કશ્યપ વગેરે ગોત્રના આજના વંશજો, વર્ષોથી ચાલ્યા આવતા તે તે ગોત્રના સંસ્કારો અને પરંપરાને દેશ-વિદેશમાં આવેલા અનીતિના અખાડાઓમાં પ્રવેશીને થોડા જ સમયમાં ધોઈ નાંખે છે. આજના યુવાધનને પરંપરા બંધન લાગે છે. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિનારંગે રંગાયેલા આ મહાનુભાવોને ખ્યાલ નથી કે પરંપરાનું બંધન તે બંધન નહીં પરંતુ રાષ્ટ્રીય અને સામાજિક ઉન્નતિનો અવિચળ પાયો છે, જે પાયા પર સંસ્કૃતિ અને તેના મૂલ્યોનું જતન અને સંવર્ધન થાય છે.
અમેરિકાના વિખ્યાત લેખક માર્ક ટ્‌વેઈન લખે છે કે, “ભારત માનવજાતનું ઉદ્‌ગમસ્થાન છે. ભારત ભાષાઓની જન્મભૂમિ, માનવજાતિ માટે પ્રેરણાની ભૂમિ, ઇતિહાસની માતા, પુરાણોની દાદી તેમજ પરંપરાની પરદાદી છે.” આજે વિશ્વનાં એક નહીં પરંતુ અનેક વિદ્વાનો, વિચારકો અને તત્ત્વચિંતકો આ વાતને સમર્થન આપે છે કે, ભારતીય સંસ્કૃતિ અને તેની પરંપરા વિશ્વમાં અજોડ છે, અદ્વિતીય છે.
ક્વિવલેંડના મેયર રાલ્ફ. જે. પર્કે પૂ. પ્રમુખસ્વામી મહારાજને તા.૨૬/૭/૭૪ના દિવસે પોતાના શહેરની ચાવી અર્પી બહુમાન કરતાં જણાવ્યું હતું કે, “ભારતીય ધાર્મિક સંસ્કારો અને પરંપરા ઉચ્ચ જીવનની પ્રેરણા આપે છે. તેથી અમને ભારત માટે માન છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પંચરંગી પથ્થરમાં જડેલા રત્ન સમાન છે.”
આજે ભારતીય પરંપરા, અને સંસ્કૃતિને પાશ્ચાત્ય જગત સ્વીકારતુ થયું છે, તેના સિદ્ધાંતોના આધારે પોતાના દેશ અને પ્રજાનો સાંસ્કૃતિક વિકાસ કરી રહ્યું છે. પરંતુ કરુણતાતો એ વાતની છે કે વિશ્વની સંસ્કૃતિઓ અને પરંપરાની જનેતા એવા ભારતમાં જ આધુનિકતાની ઉધઈ તેની પરંપરાને કોરી રહી છે. આપણને જ આપણી ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો મહિમા નથી.
પૂરાણકાળથી ચાલી આવતી સંસ્કાર પરંપરા આજે જીવંત તો છે જ પણ એ સંસ્કારની ઇમારતને લૂણો લાગવા માંડ્યો છે.
ખરેખર, વિખ્યાત સ્વાતંત્ર્યવીર શ્રીમહાદેવભાઈ દેસાઈ સાચું જ કહે છે કે, “આપણને આપણા પોતાના જ ઇતિહાસ અર્થાત્‌ પરંપરા વિશે કેટલું અજ્ઞાન હોય છે.” આજની યુવા પેઢી એવું માને છે કે પરંપરા કેવળ નિર્બળ, નિર્ધન, તર્કહીન કે અલ્પબુદ્ધિ માણસો માટેનું તત્ત્વ છે. પરંતુ એવું નથી.પરંપરાના સહારે તો વ્યક્તિ સબળ, ધનવાન, તર્કવાન કે બુદ્ધિવાન બને છે.
બ્રિટિશ ઇતિહાસકાર જેઈમ્સ ગ્રેન્ટ ડફ કહે છે : “ઘણી ખરી વૈજ્ઞાનિક પ્રગતિ જે આજે આપણે યુરોપમાં થયેલી હોવાનું માનીએ છીએ, એ ખરેખર સદીઓ પહેલા ભારતમાં ઋષિમુનિઓ દ્વારા થયેલી છે.” અને એ મહર્ષિઓ ભારતીય સંસ્કૃતિની શાશ્વત પરંપરાના વાહક અને પરિપોષક આષર્દ્રષ્ટા હતા.
ભારતનાં સેંકડો સંતો-મહાત્માઓ તેમજ ભક્તોએ સનાતન વેદિક ધર્મોનાં મૂલ્યો આજે પણ જાળવીને તેનું જતન કર્યું છે. સાચા સંતની પ્રવિત્રતા સંસ્કાર અને સંસ્કૃતિનું પોષણ કરે છે. આ પવિત્રતા જ સૌના હૃદયમાં આદર જન્માવે છે અને સન્માર્ગે ચાલવાનું બળ આપે છે. અખિલ ભારત સાધુ સમાજના મહામંત્રી પૂ. હરિનારાયણાનંદ સ્વામીએ આવા એક અનુભવને વ્યક્ત કરતાં કહેલું, “પ્રમુખસ્વામી મહારાજ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પરંતુ સમસ્ત ભારત સાધુસમાજના પ્રમુખ છે. તેમણે ભારતીય પ્રાચીન પરંપરાના ઉચ્ચ સ્થાને સ્થાપિત કરી છે.”
પરંપરા એટલે પથ્થરયુગના માનવીથી લઈ આજના આધુનિકયુગના માનવ સુધીનાં સૌ કોઈને સભ્યતા શિખવાડનાર તત્ત્વ. પરંપરા માણસ-માણસ વચ્ચેનો, સંસ્કૃતિ-સભ્યતા વચ્ચેનો સેતુ છે. પરંપરા આપત્તિઓના પ્રચંડ ધરતીકંપ વચ્ચે મનની સ્થિરતા અને શાંતિની ગંગોત્રી બની રહે છે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ પણ કહે છે “આપણી સંસ્કૃતિ અને પરંપરા સાચવવી એટલે આપણા સનાતન ધર્મના સંસ્કાર જાળવવા. જેમ પાયા વિના ઈમારત રહેતી નથી તેમ સંસ્કૃતિનાં મૂલ્યોની દૃઢતા અને પરંપરા વિના શાંતિ સ્થાપિત થતી નથી.”
તો ચાલો ફરી એકવાર આપણા એ ભવ્ય વારસાને જીવંત કરવાનો સંકલ્પ કરીએ.

Previous articleહાર્દિક પંડ્યાએ આઈપીએલમાં સિક્સની સદી પૂરી કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે