પત્નીના નાજનખરા ઉઠાવે છે તે ગોરધનોને ખાસ કેટેગરીમાં શ્રમકાર્ડ આપવા જોઇએ

56

“ગિરધરભાઇ. લો મોં મીઠું કરો.” આમ કહીને રાજુ રદીએ મને કાજુ કતરી હાથમાં થમાવી દીધી.
“ રાજુ. કંઇ ખુશીમાં મોં મીઠું કરાવે છે?”
“તમે મીઠાઇ ખાવ. રોટલાનું કામ છે કે ટપટપનું?” રાજુએ સામો સવાલ કર્યો.
રાજુ. કારણ જાણીએ તો ખુશીની માત્રા વધે. તને પાકી નોકરી મળી ગઇ? કાચી છોકરી મળી ગઇ? પાસપોર્ટ/ વિઝા મળી ગયા? નિરાધારને આધાર કાર્ડ મળી ગયું? ચૂંટણી કાર્ડ મળી ગયું?” મેં પ્રશ્રોનો મારો ચલાવ્યો!!
ગિરધરભાઇ. કામ ડાઉન . બી પેશન્ટ !! બ્લડ પ્રેશર વધી જશે!તમે પૂછયું એક પણ થયું નથી.” રાજુએ જવાબ આપ્યો.
“તો પછી???” મેં રાજુને ઇંતેજારીથી પૂછયું .
“ ગિરધરભાઇ. મને શ્રમ કાર્ડ મળી ગયું!!”
“ વોટ? યુ મિન લેબરકાર્ડ? યુ આર આઇ ટી પ્રોફેશનલ હાઉ ઇટ ઇઝ પોસિબલ ? દેશના દરેક રાજ્ય પોતાના મજૂરોને ઈ-શ્રમ કાર્ડ આપે છે, જેથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળી શકે, સાથે જ કોઈ ઘટના-દુર્ઘટના થાય તો રૂ. ૨ લાખ સુધીનો વીમો પણ મળી શકે. ગુજરાતમાં પણ આ યોજના લાગુ થઇ છે. આ યોજનાનો ઉદ્દેશ એ છે કે એવા મજૂરોને મદદ પહોંચાડવી, જેની આર્થિક સ્થિતિ ખરાબ છે અને જેના સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચી શક્તો નથી. “હું હકકોબકકો રહી ગયો.
“ગિરધરભાઇ. હું આવો એકલો નથી. મારી સાથે ૫૧ હજાર શિક્ષક સહાયક, ૨૫ હજાર બ્યૂટિશિયન, ૧૭ હજાર બિલ્ડર્સ, ૧૮ હજારથી વધુ સેલ્સમેન, ૧૩ હજાર નર્સો પણ સામેલ છે.” રાજુએ બોમ્બ ફોડ્યો.
“રાજુ. આ કેવી રીતે શક્ય બને ?એકાદનું ભૂલભૂલમાં બની જાય . આ તો આખી દાળ કાળી કેવી રીતે બને ? ખાળે ડૂચા ને દરવાજા મોકળા? અરજીની કોઇ ચકાસણી કરે કે બધું રામ ભરોસે હિન્દુ હોટલ જેવું?” મેં રાજુને સવાલોથી હચમચાવી નાંખ્યો?
“ગિરધરભાઇ. કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અને અન્ય સરકારી કામો માટે ફરજીયાત બનેલા આધારકાર્ડમાં પણ હવે ગરબડ ગોટાળા બહાર આવવા લાગ્યા છે, સામાન્ય રીતે કોઈપણ નાગરિકને ઈશ્યુ થતા આધારકાર્ડમાં એક યુનિક આઇડેન્ટિટી નંબર આપવામાં આવે છે પરંતુ હળવદ તાલુકાના નવા ધનાળા ગામે બે વ્યક્તિને એક જ આઇડેન્ટિટી નંબરથી આધારકાર્ડ ઈશ્યુ થતા આશ્ચર્ય સર્જાયું છે અને આધારકાર્ડ સિસ્ટમ સામે પ્રશ્નાર્થ ખડા થયા છે.સુરતમાં પાંડેસરામાં આધારકાર્ડમાં છબરડા મામલે ૩ લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે. આરોપીઓ સરકારની કોઇ એજેન્સીનાં તેમજ સિન્ટીકેટ બેંકનાં ઓપરેટર ન હોવા છતાં પોતાની પાસે આધારકાર્ડ તેઓ અપડેટ કરતાં હતાં. કોઇ રજીસ્ટ્રેશન પણ ન હોવાં છતાં તેણે પ્રશાંત મનસુખભાઇ મોરવાડીયા નામનાં વ્યક્તિનાં અંગુઠાનો રબર સ્ટેમ્પ બનાવીને તેનો ઉપયોગ કરી ખોટી રીતે લોકોનાં આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરી આધારકાર્ડ બનાવતાં હતાં.વડોદરાના એક યુવકના આધાર કાર્ડ પર અન્ય વ્યક્તિએ વેક્સિન(દૃટ્ઠષ્ઠષ્ઠૈહી) લઈ લીધી છે.જયેશ ભાઈ જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે ગયા ત્યારે આ વાતનો ખુલાસો થયો છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના છબરડા સામે આવી રહ્યાં છે.
સુરેન્દ્રનગરમાં પુત્રના શાળા પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડ કઢાવવા ગયેલ વ્યકિતના પુત્રપિતાના સંબંધો સ્વ. જશપાલ ભટીના શોની માફક ઉલ્ટાપુલ્ટા કરી નાંખવામાંઆવ્યા હતા.મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં પોલીસે એક વ્યકિતને પોતાના કૂતરાનું આધાર કાર્ડ બનાવવાના આરોપમાં ગુરુવારે (૩૦ ઓગસ્ટ)ના ધરપકડ કરી. એક રિપોર્ટ અનુસાર, ભિંડના ઉમરી સ્થિતિ એક આધાર પંજીકરણ એજન્સીની મદદથી ટૉમી સિંહ નામના કૂતરાનું આધાર કાર્ડ બનાવવામાં આવ્યુ છે. આધાર કાર્ડ પર ટૉમી સિંહના પિતાનું નામ શેરૂ સિંહ લખવામાં આવ્યુ છે. ટૉમી સિંહની બર્થ ડેટ ૨૬ નવેમ્બર ૨૦૦૯ છે
સેલીબ્રીટી, ગાય,બકરા અને હનુમાનજીના નામના આધાર કાર્ડ બની ગયા છે. કોઇ શાયરે સાચું જ કહ્યું છે તારા બનાવનારા તને ( બેવકૂફ)બનાવે છે!” રાજુએ સનસનીખેજ વિગતો આપી અને વધુમાં કહ્યું”વેબસાઈટ પર શ્રમિક હોવાની ખાતરી કર્યા વિના વ્યક્તિ જાતે નોંધણી કરી શકતી હોવાને લીધે જ આર્થિક રીતે સધ્ધર લોકો ઈ-શ્રમ કાર્ડ બનાવવા લાગ્યા. રાજકોટ, સુરત, અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં એવા લોકોના પણ ઈ-શ્રમ કાર્ડ બનવા લાગ્યા કે જેમની વાર્ષિક આવક રૂ ૧૫થી ૨૫ લાખ સુધીની છે. ઘણા મધ્યમવર્ગના લોકો, કર્મચારીઓનાં પણ કાર્ડ બન્યા. આ કારણે જ જરૂરિયાતમંદ લોકોને બદલે જરૂરિયાત નથી તેવા લોકો સરકારી યોજનાનો ફાયદો ઉઠાવવા લાગ્યા.” રાજુએ યોજનાની છીંડાબારી બતાવી.
“રાજુ.આ ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે વ્યક્તિએ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને માત્ર આધારકાર્ડ આપીને કઢાવી શકે છે. આ ઉપરાંત સરકારની ઈ-શ્રમની વેબસાઈટ પરથી પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન વ્યક્તિ જાતે જ કરી શકે છે, જેમાં વ્યક્તિએ સેલ્ફ ડેકલેરેશન આપવાનું હોય છે કે તે વ્યક્તિ ઇન્કમટેક્સ કે પીએફ ખાતું ધરાવતા નથી. ન સિસ્ટમ કે ન તંત્રના કર્મચારી રજિસ્ટ્રેશન કરનારી વ્યક્તિની ખરાઈ નહીં કરતું હોવાને લીધે જ મોટી સંખ્યામાં એવા લોકોના કાર્ડ બને છે, જેઓ ખરેખર પાત્રતા ધરાવતા નથી.આમ, ખાળે ડૂચા અને દરવાજા મોકળા છે. લોકો તો શિરા માટે શ્રાવક બને છે. રાઇટ ટુ એજયુકેશન હેઠળ સારી સ્કૂલોમાં એડમિશન મેળવવા માટે સ્કોડા કે મર્સિડિઝ બેન્ઝમાં ફરનારા અને આલિશાન મહેલોમાં રહેનાર ધનશ્રેષ્ઠીઓ મામૂલી આવક હોવાના ખોટા એફિડેવિટ કરે છે. આવા જ હાલ બીપીએલ કાર્ડના છે.”મેં રાજુને કહ્યું.
“ આમ તો શ્રમ કરનાર શ્રમિક છે. એ વાત અલગ છે કે શ્રમ શારીરિક છે કે માનસિક છે, અલગ વિચારણાનો પ્રશ્ર છે! ભારત દેશની વસ્તી ૧૩૫ કરોડ છે. કોઇ ચેઇન સ્નેચિંગ, પિક પોકેટિંગ,સ્મગલિંગ, ડ્રગ્ઝ , લૂંટફાટ વગેરે શ્રમ કરે છે. એ બધાને શ્રમ કાર્ડ આપવા જોઇએ. ‘રામ કી ચિડિયા રામ કા ખેત ભરભર ખા ‘ન્યાયે ખાસ કરીને ગિરધરભાઇ , તમારા જેવા પરણેલા ઘરવાળીના કુલી, ડ્રાઇવર, કેશિયર, સંત્રી , પોટર, ઘરધાટી, માળી, રસોઇયાના ઓલ ઇન વન વન મેન આર્મી માફક મલ્ટિટાસ્ગિંગ મલ્ટિ ફંકશન કરે છે,પત્નીના નાજનખરા ઉઠાવે છે તે ગોરધનોને ખાસ કેટેગરીમાં શ્રમકાર્ડ આપવા જોવા જોઇએ” રાજુએ ગોરધનોની સર્જિકલ સ્ટ્રાઇક કરી.
વધુ બેઇજ્જતી થાય તે પહેલાં મેં નૌદો ગ્યારહ કરી.
– ભરત વૈષ્ણવ

Previous articleવૃક્ષારોપણ સાથે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે