ભાવનગર ભાલ પંથકના પાળીયાદ ગામની તમામ મહિલાઓને હવે મળશે ચૂલો ફુંકવામાંથી આઝાદી

83

તાલુકા પંચાયતના સદસ્ય જાગૃતિબેનની જાગૃતિને કારણે ભાલની ૬૧ મહિલાઓને ઉજ્જવલા ગેસના કનેક્શન મળ્યાં
જો પ્રજાના પ્રતિનિધિઓ જાગૃત હોય તો કેવાં પરિણામ મળતાં હોય છે તેનું એક ઉદાહરણ તાજેતરમાં ભાવનગરના ભાલ વિસ્તારમાં જોવાં મળ્યું છે. ભાલ વિસ્તાર આમ પ્રમાણમાં ઓછો વિકસીત પ્રદેશ છે. ચોમાસામાં પાણી ભરી રહેવાની સમસ્યા અને ચોમાસા સિવાય ખારા પાટને કારણે ખેતીમાં બહુ બરકત નહીં તેવો વિસ્તાર ભાલ છે.
આથી, સરકારી યોજનાઓના લાભ પણ તેઓ ઓછી જાગૃતિને કારણે મોટા પ્રમાણમાં મેળવી શકતાં નથી. તેવાં સમયે ભાલ વિસ્તારનું ભાવનગર તાલુકા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરતાં જાગૃતિબેન વિષ્ણુભાઇ કાંબડને એક મહિલા હોવાને નાતે તેમના વિસ્તારની મહિલાઓની સમસ્યાઓ વિશે જાણકારી હતી. તેમના પ્રયાસોને કારણે તાજેતરમાં ભાલના પાળીયાદ ગામે ૬૧ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના કનેક્શન મળ્યાં છે. આથી, આ વિસ્તારની મહિલાઓને હવે ચૂલો ફુંકવામાંથી આઝાદી મળી છે. તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જાગૃતિબેનની જાગૃતિને કારણે આ શક્ય બન્યું છે. અગાઉ તેમના પ્રયત્નને કારણે ૧૬૨ લોકોને તેનો લાભ મળી ચૂક્યો છે. જાગૃતિબેન જણાવે છે કે, એક મહિલા થઇને મારા વિસ્તારની મહિલાઓની સમસ્યાઓમાં કેવી રીતે મદદ થઇ શકાય તે અંગે સતત મનોમંથન કરતી હતી. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અમારી જેવી મહિલાઓનું પણ કેવું ધ્યાન રાખે છે તેનું આ ઉદાહરણ છે. તેમની નાના ગામમાં રહેતી અને સુવિધાઓ માટે બીજા પર નિર્ભર એવી મહિલાઓને ઉજ્જવલા ગેસ યોજનાઓથી લાભ અપાવીને લાખો મહિલાઓના આશીર્વાદ મેળવ્યાં છે. મને પણ એક મહિલા પ્રતિનિધિ તરીકે અમારા આ વિસ્તારના લોકોએ મારા પર જે વિશ્વાસ મૂકીને ચૂંટી હતી તેને ખરાં અર્થમાં સાકાર કર્યાનો આનંદ છે. તેઓ કહે છે કે, તેઓના પતિશ્રી વિષ્ણુભાઇ કાંબડ પણ ભૂતકાળમાં તાલુકા પંચાયતના સદસ્ય હતાં. તેઓને લોકોના કામ કરતાં જોઇને મને પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે કંઇક કરવાની કામના હતી તે આ ઉજ્જવલાં ગેસ કનેક્શનથી પૂર્ણ થઇ છે. ભાલ પંથકના છેવાડાના પાળીયાદ ગામે ઉજ્જવલા ગેસ કનેક્શન સાથે ચુલો, રેગ્યુલેટર સહિતના તમામ સેટ સાથે ૬૧ લોકોને આ સુવિધાનો લાભ મળ્યો છે. છેવાડાના ગરીબમાં ગરીબ લોકોને ગેસ કેમ વાપરવો તથા તેની સુરક્ષા વિશેની જાણકારી પણ આ મહિલાઓને આપવામાં આવી હતી. કદાચ આપણાં માટે આ સામાન્ય બાબત હોઇ શકે છે પરંતુ જે લોકો અભાવમાં છે તેઓને કોઇ સુવિધાનો લાભ મળે ત્યારે તેના ચહેરા પર જે આનંદનો ભાવ હોય છે તે અવર્ણનીય છે. આવો આનંદ મહિલાઓના ચહેરા પર લાવવાં માટે વડાપ્રધાનશ્રીની વિવિધ યોજનાઓનો ફાળો રહેલો છે. ઉજ્જવલા યોજના પણ આવી જ એક યોજના છે. જેણે છેવાડાની મહિલાઓના ચહેરા પર મુસ્કાનનું કારણ બની છે.

Previous articleવેકેશન સાથે જ સ્વિમિંગ શીખવા કિશોરો, યુવાનોની લાંબી લાઇન ; તડકે તપી ફોર્મ મેળવ્યા
Next articleહીટવેવની અસરથી ભાવનગરમાં વિકએન્ડમાં તાપમાન ૪૪ ડિગ્રી સુધી રહેવાની દહેશત