હીટવેવની અસરથી ભાવનગરમાં વિકએન્ડમાં તાપમાન ૪૪ ડિગ્રી સુધી રહેવાની દહેશત

62

મહતમ ૪૦.૫ બાદ રાત્રીનુ તાપમાન પણ વધીને ૨૮ ડિગ્રીએ પહોચ્યુ
રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં આઠ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા હીટવેવની આપવામાં આવેલી આગાહીના પગલે ભાવનગરમાં તેની અસર શરૂ થઈ ગઈ હોય તેમ મહતમની સાથોસાથ લઘતમ તાપમાન પણ વધી જવા પામ્યું છે. પરિણામે લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. હીટવેવની આગાહીના પહેલાં દિવસે જ તાપમાનનો પારો ઉચકાતા ભાવનગરમા વિક એન્ડ એટલેકે રવિવાર સુધીમાં મહતમ તાપમાન ૪૪ ડિગ્રી પહોંચી જાય તેમ નકારી શકાય નહીં. ચૈત્રી દનૈયા તપવા લાગ્યા છે તેના કારણે આગામી ચોમાસું સારૂ જશે તેમ મનાઈ રહ્યું છે તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં એક અઠવાડિયા સુધી હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે સાથે અનેક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આગાહીના પહેલાં દિવસે જ રાજ્યના અનેક જિલ્લામાં દિવસનુ તાપમાન વધી જવા પામ્યુ છે કેટલાંક શહેરમાં ૪૪ ડિગ્રી પહોંચી જવા પામ્યું છે તેના પગલે ભાવનગરમાં પણ મહતમ તાપમાન વધીને ૪૦.૫ થયા બાદ રાત્રીનુ તાપમાન પણ ૨૮ ડિગ્રીએ પહોંચી ગયુ છે. સાથે સરેરાશ ૧૨ કીમીની ઝડપે ગરમ લૂ ફૂકાતા નગરજનોએ અંગ દાહક ગરમીનો અનુભવ કર્યો હતો.ભાવનગર શહેરમાં મહતમ તાપમાન વધતા દિવસ દરમિયાન રસ્તા ઉપર જાણે કે હીટર મુક્રયા હોય તેમ ચામડી દઝાડે તેવી ગરમી સાથે લૂ ફૂકાઇ હતી જેના પગલે બપોરના સમયે રસ્તાઓ પણ સૂમસામ બન્યા હતા અને લોકોએ કારણ વિના બહાર નિકળવાનુ ટાળ્યું હતુ. ગરમીના કારણે નાના બાળકો અને વડીલોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.હીટવેવની આગાહીના પ્રથમ દિવસે જ અસર શરૂ થઈ ગઈ હોય ત્યારે હજુ આઠ દિવસમાં પરિસ્થિતિ કેવી હશે તેની કલ્પના સાથે જ પરસેવો વળી રહ્યો છે ત્યારે રવિવાર સુધીમાં ભાવનગરમાં મહતમ તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી જવાની દહેશત જાણકરો વ્યક્ત કરી રહ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા પણ લોકોએ બપોરના સમયે કારણ વિના બહાર ન નિકળવા સલાહ આપવા સાથે ગરમી અને સન સ્ટ્રોકથી બચવા પાણીનો ભરપુર ઉપયોગ અને ખુલતા સુતરાઉ કપડા પહેરવા સલાહ આપવામાં આવી છે.

Previous articleભાવનગર ભાલ પંથકના પાળીયાદ ગામની તમામ મહિલાઓને હવે મળશે ચૂલો ફુંકવામાંથી આઝાદી
Next articleસુપોષિત ગુજરાતના ઉદ્દેશ તરફ ઝડપથી આગળ વધતું ભાવનગર